ભાબીજી ઘર પર હૈં 2.0માં ઓરિજિનલ અંગૂરી ભાભી શિલ્પા શિંદેની રીએન્ટ્રી?

30 October, 2025 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૫માં લૉન્ચ થયેલી લોકપ્રિય ટીવી-સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’ને ૧૦ વર્ષ થઈ ગયાં છે

ઓરિજિનલ અંગૂરી ભાભી શિલ્પા શિંદે

૨૦૧૫માં લૉન્ચ થયેલી લોકપ્રિય ટીવી-સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’ને ૧૦ વર્ષ થઈ ગયાં છે. આ સંજોગોમાં શોના મેકર્સ ‘ભાબીજી ઘર પર હૈં 2.0’ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને મળતી માહિતી પ્રમાણે આ નવા વર્ઝનમાં અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રેની નહીં પણ ઓરિજિનલ અંગૂરી ભાભી શિલ્પા શિંદેની પસંદગી કરવામાં આવી છે. શિલ્પા હાલમાં ઍક્ટિંગની દુનિયાથી દૂર છે અને ખેતીનું કામ કરી રહી છે પણ તે બહુ જલદી ટીવીના પડદે જોવા મળશે. 

આ મામલે વાત કરતાં શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘શિલ્પાને અંગૂરી ભાભી તરીકે પરત લાવવા વિશે વાતચીત ચાલી રહી છે અને બધાને આશા છે કે આ ડીલ જલદી જ ફાઇનલ થશે. એક દાયકા સુધી સફળતાપૂર્વક ચાલ્યા પછી હવે ચૅનલ શોને નવું રૂપ આપવા માટે નવા એલિમેન્ટ્સ અને પાત્રો લાવવા માગે છે. શો માટે એક નવો સેટ બનાવવામાં આવી રહ્યો છે અને દર્શકો વાર્તામાં એક મોટો ફેરફાર જોવાની આશા કરી શકે છે. ‘ભાબીજી ઘર પર હૈં 2.0’નું શૂટિંગ ડિસેમ્બરના મધ્ય ભાગ સુધી શરૂ કરવાનું પ્લાનિંગ છે.’

૨૦૧૫માં જ્યારે ‘ભાબીજી ઘર પર હૈં’ની શરૂઆત થઈ હતી ત્યારે શિલ્પા શિંદે દ્વારા અંગૂરી ભાભીની ભૂમિકા ભજવવામાં આવી હતી, પરંતુ ૨૦૧૬ના માર્ચમાં તેણે શો છોડી દીધો. આ સમયે શિલ્પાએ નિર્માતાઓ પર તેને હેરાન કરવાનો અને માનસિક દબાણ કરવાનો આરોપ લગાવ્યો. શિલ્પાના આરોપોની સામે નિર્માતાઓએ તેના પર અનપ્રોફેશનલ હોવાનો વળતો આરોપ મૂક્યો હતો. શિલ્પા શિંદેના ગયા પછી તેની જગ્યાએ શુભાંગી અત્રેને કાસ્ટ કરવામાં આવી હતી.

television news indian television shilpa shinde entertainment news