02 January, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિગ બૉસ 19ની વાઇલ્ડકાર્ડ સ્પર્ધક માલતી ચાહર
‘બિગ બૉસ 19’ની વાઇલ્ડકાર્ડ સ્પર્ધક અને ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતી ચાહરે મીડિયા સામે આકરો પ્રતિભાવ આપ્યો છે. માલતીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મારાં મમ્મી-પપ્પા અલગ થવા વિશેનાં અને બાળપણ દરમ્યાનની મારી મુશ્કેલીઓ વિશે મેં કરેલાં નિવેદનોને તોડી-મરોડીને સેન્સેશનલ હેડલાઇન્સ બનાવવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે ખોટું અને દુખદ છે.’
માલતીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મને સમજાતું નથી કે દરેક પૉડકાસ્ટ અને ઇન્ટરવ્યુમાં મારાં મમ્મી-પપ્પાને કેમ વચ્ચે લાવવામાં આવે છે? જ્યારે હું શાંતિથી અને સચોટ જવાબ આપું છું ત્યારે મારા શબ્દોને તોડી-મરોડીને સેન્સેશનલ હેડલાઇન્સ બનાવવામાં આવે છે. કેમ? કૃપા કરીને ફક્ત મારા વિશે જ વાત કરો. તેમણે પહેલેથી જ જીવનમાં ઘણું સહન કર્યું છે. પ્લીઝ તેમને વધુ દુઃખ ન આપો.’
એ પછી માલતીએ બીજી પોસ્ટમાં એક મીડિયા-હાઉસને ટૅગ કરીને પૂછ્યું હતું કે ‘શું શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવું એ પત્રકારત્વ કહેવાય કે હવે પત્રકારત્વ એવું જ બની ગયું છે?’
શું છે વિવાદનું કારણ?
‘બિગ બૉસ’ પછીના એક ઇન્ટરવ્યુમાં માલતીએ પોતાના બાળપણ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેનાં મમ્મી-પપ્પા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને તેઓ લગભગ ૧૩ વર્ષ પહેલાં અલગ થઈ ગયાં હતાં. આને કારણે ઘરમાં તનાવ રહેતો હતો અને ગુસ્સામાં ક્યારેક મને માર પણ પડતો હતો એવું તેણે કહ્યું હતું. જોકે મીડિયા દ્વારા આ વાતને ‘માલતીએ કહ્યું કે મારાં માતા-પિતા મને મારતાં હતાં’ જેવી ખોટી હેડલાઇન્સથી વાઇરલ કરવામાં આવી જેને માલતીએ સંપૂર્ણપણે ખોટી વાત ગણાવી.
આ સમગ્ર વિવાદથી માલતીએ મીડિયાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે. માલતીએ સ્પષ્ટ કહ્યું હતું કે તે પોતાના અનુભવો વિશે વાત કરી રહી છે, પરંતુ તેને માટે તેનાં મમ્મી-પપ્પાને ટાર્ગેટ કરવાનું કે તેમને વચ્ચે લાવવાનું યોગ્ય નથી.