01 December, 2025 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`બિગ બૉસ`ના સેટ પરની સલમાન અને ધર્મેન્દ્રની ફાઇલ તસવીર
ધર્મેન્દ્ર અને સલમાન ખાન વચ્ચે સારી નિકટતા હતી અને આ કારણે જ ધર્મેન્દ્રના અવસાન પછી સલમાન બહુ અપસેટ થઈ ગયો છે. હાલમાં સલમાન ‘બિગ બૉસ 19’ના સેટ પર ધર્મેન્દ્રને યાદ કરીને ઇમોશનલ થઈ ગયો હતો અને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાશ તેને આ ‘વીક-એન્ડ કા વાર’નો એપિસોડ હોસ્ટ ન કરવાનો હોત.
‘બિગ બૉસ 19’ના આ એપિસોડમાં સલમાને પછી ધર્મેન્દ્રને ખાસ શ્રદ્ધાંજલિ આપીને કહ્યું હતું કે ‘આ અઠવાડિયું તો પ્રાર્થના અને આંસુઓ સાથે પસાર થયું છે. ધર્મેન્દ્રના અવસાનથી દેશને બહુ મોટો ઝટકો લાગ્યો છે. ફૅન્સ તો ભારે આઘાતમાં છે અને ઇન્ડસ્ટ્રી ભારે શોકમાં છે.’
ધર્મેન્દ્ર અને સલમાન ખાન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતો. ઘણા પ્રસંગોએ ધર્મેન્દ્રએ સલમાનને પોતાનો ‘ત્રીજો દીકરો’ ગણાવ્યો છે. ધર્મેન્દ્ર એક વખત ‘દસ કા દમ’ના સેટ પર સની દેઓલ અને બૉબી દેઓલ સાથે આવ્યા હતા ત્યારે તેમણે હોસ્ટ સલમાન સાથેના પોતાના ખાસ બૉન્ડ અને તેમની આદતો વિશે વાત કરી હતી અને તેને પોતાનો દીકરો ગણાવ્યો હતો.