01 December, 2025 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે ‘બિગ બૉસ’ની દસમી સીઝનની સેમી-ફિનાલે યોજાઈ હતી જેમાં અશનૂર કૌર અને શહબાઝ બદેશાને ઘરમાંથી બહાર કરી દેવામાં આવ્યાં હતાં. આ બન્નેને શોમાંથી બહાર કરી દેવાનાં અલગ-અલગ કારણો હતાં. હવે ઘરથી બહાર થતાં જ અશનૂરે પોતાની પહેલી પોસ્ટ શૅર કરી છે જે ખૂબ ચર્ચામાં છે. આ પોસ્ટમાં અશનૂર પોતાના ઘરે બાલ્કનીમાં ઊભી છે અને પોતાના ડૉગ સાથે પોઝ આપી રહી છે. અશનૂરે આ પોસ્ટ સાથે કૅપ્શન લખી છે, ‘ભારે તોફાન પછીનું સુકૂન.’ અશનૂરના ફૅન્સ કમેન્ટ કરીને તેને સપોર્ટ આપી રહ્યા છે.
અશનૂર કૌરને ‘બિગ બૉસ’માં સલમાન ખાને ફિઝિકલ વાયલન્સના આરોપને કારણે બહાર કરી દીધી છે. શોમાં એક ટાસ્ક દરમ્યાન તેણે તાન્યા મિત્તલને ઇરાદાપૂર્વક માર માર્યો હતો જેને કારણે સલમાને પછી અશનૂરને તરત જ ઘર છોડવાનો આદેશ આપ્યો હતો. અશનૂરને કાઢી મૂકવાના આ નિર્ણયથી સોશ્યલ મીડિયા પર મોટી ચર્ચા શરૂ થઈ છે. તેમના ફૅન્સ ખુલ્લેઆમ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે શોમાં પહેલાં પણ ઘણી વાર હિંસા થઈ ચૂકી છે. નિયમ બધા માટે એકસરખો હોવો જોઈએ.
અશનૂરે બિગ બૉસમાંથી કરી લીધી ૮૪ લાખની કમાણી
ટીવી-ઍક્ટ્રેસ અશનૂર કૌર હવે ‘બિગ બૉસ’ની ૧૯મી સીઝનનો ભાગ નથી રહી. હાલમાં ‘વીક-એન્ડ કા વાર’માં તેને ઘરમાંથી બહાર કરવામાં આવી હતી, કારણ કે અશનૂરે એક ટાસ્ક દરમ્યાન તાન્યા મિત્તલ પર હુમલો કર્યો હતો. અશનૂર ૧૪ અઠવાડિયાં સુધી ‘બિગ બૉસ 19’નો હિસ્સો હતી અને રિપોર્ટ પ્રમાણે તેણે આ શોમાંથી આશરે ૮૪ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે અશનૂરને ‘બિગ બૉસ’માં એક અઠવાડિયાના ૬ લાખ રૂપિયા ફી ચૂકવવામાં આવતી હતી. અશનૂર કૌર માત્ર ૨૧ વર્ષની છે અને તેની નેટવર્થની વાત કરીએ તો મીડિયા-રિપોર્ટ્સ મુજબ તેની કુલ સંપત્તિ ૭ કરોડ રૂપિયા છે અને તે ટીવી-શોના એક એપિસોડદીઠ અંદાજે ૪૦,૦૦૦ રૂપિયા ફી લે છે.