06 December, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનિલ પાલ
સાંતાક્રુઝમાં રહેતા કૉમેડિયન સુનીલ પાલે દાવો કર્યો છે કે તેમને બીજી ડિસેમ્બરે હરિદ્વારની ફાઇવસ્ટાર હોટેલમાં આયોજિત બર્થ-ડે પાર્ટી માટે બોલાવી દિલ્હી ઍરપોર્ટની બહારથી તેમનું અપહરણ કરી ૨૦ લાખ રૂપિયાની ખંડણી માગીને આશરે ૨૪ કલાક બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. જોકે કિડનૅપરો સાથે વાટાઘાટો કર્યા પછી સુનીલ પાલ આશરે સાડાસાત લાખ રૂપિયા ચૂકવીને પોતાની સુરક્ષિત મુક્તિ કરવામાં સફળ રહ્યા હતા એવું તેમણે કહ્યું છે. જોકે સુનીલ પાલે આ ઘટનાની કોઈ ફરિયાદ નોંધાવી ન હોવાની માહિતી સાંતાક્રુઝ પોલીસે આપી હતી. પરિણામે સુનીલ પાલે કહેલો કિસ્સો સાચો છે કે આવું કહેવા પાછળ બીજું કોઈ કારણ છે એવો સવાલ થાય.
કિડનૅપરોએ પૈસા પડાવવા કઈ રીતે પ્લાનિંગ કર્યું અને ૨૪ કલાકમાં શું સહન કરવું પડ્યું એની માહિતી આપતાં સુનીલ પાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે ૧૫ દિવસ પહેલાં અનિલ નામના યુવાને મને વૉટ્સઍપ કૉલ કરીને હરિદ્વારની એક ફાઇવસ્ટાર હોટેલમાં આયોજિત બર્થ-ડે પાર્ટીનો પ્રોગ્રામ બુક કરાવ્યો હતો. એ સમયે તેણે ઍડ્વાન્સ પેમેન્ટ સાથે મારી દરભંગાથી દિલ્હીની ઍરટિકિટ પણ બુક કરાવીને મને મોકલી હતી. પહેલી ડિસેમ્બરે હું મુંબઈથી દરભંગા એક પ્રોગ્રામ માટે ગયો હતો. ત્યાંથી બીજી ડિસેમ્બરે સાંજે સાડાચાર વાગ્યાની ફ્લાઇટમાં સાડાછ વાગ્યે દિલ્હી ઍરપોર્ટના ટર્મિનલ ૩ પર પહોંચ્યો ત્યારે અનિલે મને ફોન કરીને કહ્યું કે પાર્કિંગમાં ઇનોવા લઈને ડ્રાઇવર તમારી રાહ જોઈ રહ્યો છે. એટલે હું પાર્કિંગમાં જઈને કારમાં બેઠો હતો. એ સમયે કારમાં એકમાત્ર ડ્રાઇવર જ હતો. એ પછી કાર હરિદ્વાર તરફ આગળ વધી હતી. ત્યારે મેં એક વાર ડ્રાઇવરને કાર રોકવા કહ્યું હતું, પણ તેણે કાર રોકી નહોતી. ત્યાર બાદ મેરઠ હાઇવે પર એક જગ્યાએ ડ્રાઇવરે કાર રોકી ત્યારે માસ્ક પહેરેલા ત્રણ લોકો કારમાં બેસી ગયા હતા. શું થઈ રહ્યું છે એ હું સમજી શકું એ પહેલાં મારા મોઢા પર તેમણે કાળું કપડું નાખીને એમાંના એક જણે મને કહ્યું કે શાંતિથી બેસી રહો, અમારી પાસે રિવૉલ્વર છે. એટલે હું ગભરાઈને ચૂપ બેસી રહ્યો હતો. આ બધા વચ્ચે આશરે દોઢ કલાક સતત કાર ચાલી હતી. પછી તેઓ મને એક ખાલી ઘરમાં લઈ ગયા હતા. ત્યાં મને તેમણે કહ્યું કે તમને કિડનૅપ કરવામાં આવ્યા છે. મેં એ પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેમણે ૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે મારી પાસે એટલા બધા પૈસા ન હોવાનું મેં તેમને જણાવ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે ૩ ડિસેમ્બરે સવારના તેઓ ઓછા પૈસા લેવા તૈયાર થયા હતા. અંતે મેં મારા પાંચ મિત્રો પાસેથી સાડાસાત લાખ રૂપિયા કિડનૅપરોએ આપેલા બૅન્કખાતામાં ઑનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. એ દિવસે બૅન્કનું સર્વર ડાઉન હોવાથી તેમને પૈસા મળતાં સાંજ પડી ગઈ હતી. પૈસા મળ્યા પછી તેમણે મને ૩ ડિસેમ્બરે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ મેરઠ હાઇવે પર છોડી દિલ્હીથી મુંબઈની ફ્લાઇટની ટિકિટ સાથે ૨૦,૦૦૦ રૂપિયા ખિસ્સામાં નાખીને છોડી દીધો હતો. ત્યાર પછી હું મેરઠ હાઇવેથી ગાઝિયાબાદ અને ત્યાર બાદ કાશ્મીરી ગેટ સુધી પહોંચી ત્યાંથી ઑટો કરીને ઍરપોર્ટ પહોંચ્યો હતો. ઍરપોર્ટથી રાતે સાડાઅગિયાર વાગ્યાની ફ્લાઇટમાં અઢી વાગ્યે ઘરે પાછો આવ્યો હતો.’
પૈસા પાછા આપવાનું પ્રૉમિસ
જિંદગીમાં મોકો મળશે તો તમારા બધા પૈસા પાછા આપી દઈશું એવા શબ્દો કિડનૅપરોએ મને છોડતી વખતે કહ્યા હતા એમ જણાવીને સુનીલ પાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ કલાકમાં તેમણે મને જમવાનું સહિત પીવા માટે પાણી આપ્યું હતું એટલું જ નહીં, મારી રેગ્યુલર દવા પણ ખાવા આપી હતી. તેમણે મને પોલીસમાં ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી. એની સાથે કહ્યું હતું કે તમારો મોબાઇલ ૨૪ કલાક અમારી પાસે હતો એટલે તમારી તમામ માહિતી અમે મેળવી લીધી છે અને જો અમે તમને કિડનૅપ કરી શકીએ છીએ તો કોઈ પણ ચીજ અમારા માટે મુશ્કેલ નથી. હાલમાં મારી સાથે બનેલી તમામ માહિતી પોલીસને આપી છે, પણ આ ઘટનાની ફરિયાદ હજી મેં કરી નથી. ફરિયાદ કરવી કે નહીં એ બાબતે હું વિચાર કરી રહ્યો છું.’
૩ ડિસેમ્બરે સુનીલ પાલ ગુમ થયા હોવાની માહિતી તેની પત્નીએ અમને આપી હતી. જોકે તેણે એ સમયે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. હાલમાં પણ તેણે અમારી પાસે કોઈ ફરિયાદ નોંધાવી નથી. - વૈભવ શિંગારે, સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર