14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવિકા ગોર ફિયાન્સે મિલિંદ ચાંદવાણી સાથે
ટીવી પર ખૂબ જલદી કપલ રિયલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા’ શરૂ થવા જઈ રહ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી ઘણાં સેલિબ્રિટી-કપલ્સનાં નામ સામે આવ્યાં છે, જેમાં નવદંપતી હિના ખાન અને રૉકી જાયસવાલનું નામ પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે હવે અવિકા ગોર પણ ‘પતિ પત્ની ઔર પંગા’નો ભાગ બનશે. આ શોમાં તે તેના ફિયાન્સે મિલિંદ ચાંદવાણી સાથે જોવા મળશે. અવિકા ગોરે હાલમાં બૉયફ્રેન્ડ મિલિંદ ચાંદવાણી સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો પણ શૅર કરી હતી.
અવિકા ગોર ‘પતિ પત્ની ઔર પંગા’ને લઈને ખૂબ ઉત્સાહિત છે. આ શોમાં તે અને મિલિંદ તેમની લવસ્ટોરી અને પહેલી મુલાકાતના કેટલાક કિસ્સા પણ શૅર કરશે. અવિકાએ કહ્યું હતું કે તે આ શો માટે ખૂબ ઉત્સાહિત છે અને આ શો ‘બાલિકાવધૂ’ની ચૅનલ કલર્સ પર જ આવવાનો હોવાને કારણે તેના માટે આ શો કમબૅક કરીને પાછા ઘરે ફરવા જેવો જ છે.
‘પતિ પત્ની ઔર પંગા’ કલર્સ ટીવી પર આવશે. રિપોર્ટ્સ અનુસાર આ શો ‘લાફ્ટર શેફ્સ-અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’નું સ્થાન લેશે. આ શોમાં જે સેલિબ્રિટી-કપલ્સ જોવા મળશે એમાં અંકિતા લોખંડે અને વિકી જૈન, ગુરમીત ચૌધરી અને દેબિના બૅનરજી, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ તેમ જ અલી ગોની અને જાસ્મિન ભસીનનો સમાવેશ થાય છે. ચર્ચા પ્રમાણે આ શો જુલાઈમાં શરૂ થશે અને એમાં સ્વરા ભાસ્કર અને પતિ ફહાદ તેમ જ ગીતા ફોગાટ પણ પોતાના પતિ સાથે જોવા મળી શકે છે.