26 May, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ આપી ખુશખબરી (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
ટીવી જગતનું સૌથી લોકપ્રિય અને વહાલું કપલ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) અને વિવેક દહિયા (Vivek Dahiya) એક સુંદર અને નવા જીવનની સફરમાં પ્રવેશી ચૂક્યા છે. તેમના ઘરે બે જોડિયા પુત્રો (Twin baby boys)નો જન્મ થયો છે. આ ખુશખબર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરીને કપલે તેમના ફેન્સને એક અદ્ભુત સરપ્રાઈઝ આપી છે, જે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
મંગળવારે વિવેક દહિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર એક સુંદર તસવીર શેર કરીને ચાહકોને આ ખુશખબર (Divyanka Tripathi, Vivek Dahiya blessed with twin baby boys) આપ્યા છે. તેમણે શેર કરેલા ફોટામાં બ્લૂ રંગના આઉટફિટમાં બે નાના બાળકો એકસાથે બેઠેલા જોવા મળે છે. આ પોસ્ટ પર લખ્યું હતું કે, "અમે ખુશીઓ માંગી હતી... ભગવાને કહ્યું, `લો ડબલ.` જોડિયા પુત્રોનું સુખ મળ્યું છે."
આ સુંદર તસવીરની સાથે વિવેક દહિયાએ એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારા પુત્રો આખરે આવી ગયા છે અને જીવન અત્યારથી જ અમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહ્યું છે.
કૅપ્શનમાં લખ્યું છે કે, ‘આખરે રાહ જોવાનો અંત આવ્યો છે... `ધ બોયઝ` આવી ગયા છે, અને જીવન અત્યારથી જ અમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહ્યું છે. મારા કરણ અર્જુન આવી ગયા! દિવ્યાંકા અને હું જ્યારે પેરેન્ટહુડના આ અદ્ભુત નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે અમને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’
આ આનંદ સમાચાર સામે આવ્યા બાદ ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો અને ચાહકોએ કપલ પર પ્રેમનો વરસાદ કર્યો છે અને આ ખુશીની પળને સેલિબ્રેટ કરી છે. અભિનેત્રી આકાંક્ષા પુરી (Akanksha Puri)એ કમેન્ટ કરતા લખ્યું, ‘ઓહ માય ગોડ તમારા બંને માટે હું ખૂબ જ ખુશ છું.’ આ સિવાય માહી વિજ (Maahi Vij) અને પરંપરા ટંડન (Parampara Tandon)એ પણ નવા બનેલા માતા-પિતાને સત્તાવાર રીતે અભિનંદન પાઠવ્યા હતા.
બીજી તરફ, કપલના ફેન્સ પણ આ ગુડ ન્યુઝ પોસ્ટ જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી દિવ્યાંકા અને વિવેકને શુભેચ્છા આપી રહ્યાં છે.
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાની મુલાકાત સૌથી પહેલા પ્રખ્યાત ટેલિવિઝન શો `યે હૈ મહોબ્બતેં` (Yeh Hai Mohabbatein) ના સેટ પર થઈ હતી. અહીં શરૂ થયેલી તેમની મિત્રતા જોતજોતામાં પ્રેમમાં બદલાઈ ગઈ અને આ કપલે જુલાઈ ૨૦૧૬ માં ભોપાલ (Bhopal) ખાતે લગ્ન કરી લીધા. વર્ષોથી તેમની આ શાનદાર કેમિસ્ટ્રી ચાહકોના દિલ જીતી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમનો એક મોટો ફેન બેઝ ઊભો થયો છે. આ કપલે ડાન્સ રિયાલિટી શો `નચ બલિયે` (Nach Baliye)માં પણ ભાગ લીધો હતો અને તેઓ આ શોના વિજેતા બન્યા હતા.
લગ્નના લગભગ દસ વર્ષ પછી, દિવ્યાંકાએ આ વર્ષે માર્ચ મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના બેબી બમ્પના ફોટા શેર કરીને ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. દિવ્યાંકા અને વિવેકે તાજેતરમાં જ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. આ ચેનલ પર તેઓ પોતાના રોજિંદા જીવનની ઝલક શેર કરે છે અને સાથે જ દિવ્યાંકાની આ ગર્ભાવસ્થાની સફરની સુંદર ક્ષણો પણ ચાહકો સાથે શેર કરતા રહે છે.