માત્ર ૧૬ વર્ષની ઉંમરે હિન્દી સિરિયલનો લેખક બની ગયો હતો હર્ષ લિમ્બાચિયા

06 June, 2026 08:54 AM IST  |  Mumbai | Jigisha Jain

દસમા ધોરણના વેકેશન સમયે કંઈક કરવું છે એવા ભાવ સાથે કિસ્મત હર્ષને એક પ્રોડક્શન-હાઉસમાં લઈ ગઈ જ્યાં તેની વાર્તા લોકોને ખૂબ ગમી અને ‘લાપતાગંજ’ નામના શોથી તેણે લખવાનું શરૂ કરી દીધું.

હર્ષ લિમ્બાચિયા

૨૦૦૮ની વાત છે. દસમા ધોરણનું વેકેશન ચાલતું હતું ત્યારે મોટા ભાગના છોકરાઓ ગલીમાં ક્રિકેટ રમતા હતા, ઘણા ફરવા ગયા હતા અને ઘણા પથારીમાં આરામ ફરમાવતા હતા ત્યારે કાંદિવલીમાં રહેતો હર્ષ લિમ્બાચિયા વિચારતો હતો કે વેકેશન છે તો કંઈક કામ ગોતું. શું કામ કરવું છે? એ તો ખબર નથી, પણ ફરતાં-ફરતાં અનાયાસ તેનું નસીબ તેને એક પ્રોડક્શન-હાઉસ સુધી લઈ ગયું. તેણે ત્યાં જઈને કહ્યું કે મારે કામ કરવું છે. પેલા લોકોએ પૂછ્યું કે શું કામ કરી શકશે? તેણે કહ્યું કે તમે જે આપો તે. પણ તને શું આવડે છે? હું સારું લખી શકું છું એવો જવાબ તેણે આપ્યો. આટલી નાની ઉંમરના છોકરાનો આત્મવિશ્વાસ જોઈને તેને પણ એક તક આપવાનું મન થયું એટલે તેમણે કહ્યું કે ચાલ, કઈ સંભળાવ. વાતો-વાતોમાં હર્ષે પોતાની લખેલી કોઈક વાર્તા સંભળાવી. તેમને વાર્તા ખૂબ ગમી. તેમણે કહ્યું કે એક કામ કર, આને ટાઇપ કરીને લઈ આવજે કાલે, કાલે આના પર જ શૂટિંગ કરીશું. હર્ષ એક પળમાં ખુશ થઈ ગયો કે તેની વાર્તા એટલી સારી હતી કે તેમને ગમી, પણ બીજી પળે તેને ચિંતા થઈ ગઈ કે તેની પાસે લૅપટૉપ જેવું તો કંઈ હતું નહીં. હવે કરવું શું? તેણે તેના પિતાને કહ્યું કે ગમે ત્યાંથી કંઈક વ્યવસ્થા કરો, મારે કોઈનું લૅપટૉપ જોઈએ છે આજ પૂરતું. ગુજરાતી પિતાએ તાત્કાલિક જુગાડ કર્યો અને લૅપટૉપ ઘરે આવી તો ગયું, પણ હવે ૩૦ પેજ ટાઇપ કરવા કઈ રીતે? એ સમયને યાદ કરતાં હર્ષ કહે છે, ‘મેં પહેલી વાર જીવનમાં લૅપટૉપ જોયું હતું અને કીબોર્ડ પર હાથ મૂક્યો હતો. ટાઇપ કેમ કરાય એ મને આવડતું જ નહોતું. રાત્રે આઠથી સવારે ૭ વાગ્યા સુધી લાગલગાટ બેસી રહ્યો. એક-એક અક્ષર ટાઇપ કરવાનો હતો. ‘અરે! તુમ કહાં ગએ?’ આટલું લખવું હોય તો પહેલાં A શોધવાનો, એ પછી R અને E શોધીને લખવાના અને એ પછી આશ્ચર્યચિહ‍્ન ક્યાં છે એ પણ શોધવાનું. આટલું લખ્યા પછી સ્પેસ ન આપી હોય અને TUM લખાઈ જાય. એ પછી કર્સરને Tની આગળ કેવી રીતે લાવવું એ ન ખબર પડે. એ સમજું અને પછી આગળ વધું. કીબોર્ડને જોઉં તો સ્ક્રીનને જોવાનું રહી જાય અને સ્ક્રીનને જોઉં તો કીબોર્ડ ન ચાલે. દસમા ધોરણમાં મેં ભણવામાં જરાય મહેનત નહોતી કરી. હું સમજી ગયો હતો કે ભણવામાં તો આપણું કશું થવાનું નથી. એટલે મારા મનમાં એવું હતું કે કામમાં તો મારે ૨૦૦ ટકા ધ્યાન અપાવું જ પડશે, નહીંતર મારું શું થશે? એ આખી રાતનો ઉજાગરો સફળ થયો. સવારે હું સ્ક્રિપ્ટ લઈને પહોંચી ગયો અને એ જોઈને તેમણે મને તરત કામ આપ્યું. આ સિરિયલ હતી ‘લાપતાગંજ’, જે એ સમયની ઘણી પ્રખ્યાત સિરિયલ હતી. એક લેખક તરીકે મેં એમાં કામ શરૂ કર્યું. તેમણે મને એ દિવસથી જ મહિનાના ૩૦,૦૦૦ રૂપિયાના પગાર સાથે રાખી લીધો હતો.’

કરીઅર

હર્ષ લિમ્બાચિયા કૉમેડીમાં અને ઍન્કરિંગમાં ઘણું જાણીતું નામ છે. કૉમેડિયન ભારતી સિંહ સાથે લગ્ન કર્યાં એ પછી લોકો તેને વધુ ઓળખતા થયા હતા. ભારતીને મળ્યો ત્યારે હર્ષ લેખક તરીકે કામ કરતો હતો. તે ‘કૉમેડી સર્કસ કે તાનસેન’, ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ અને ‘કૉમેડી નાઇટ્સ લાઇવ’ જેવા કૉમેડી શોમાં લેખક તરીકે નામ કમાયો. એ પછી ભારતી સાથે તેણે ‘નચ બલિયે ૮’, ‘ફિયર ફૅક્ટર-ખતરોં કે ખિલાડી ૯’ અને ‘ફિયર ફૅક્ટર-ખતરોં કે ખિલાડી-મેડ ઇન ઇન્ડિયા’ જેવા રિયલિટી શોમાં ભાગ લીધો હતો. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’, ‘ડાન્સ દીવાને ૩’, ‘હુનરબાઝ : દેશ કી શાન’, ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત હાઉસ ફુલ’, ‘સુપરસ્ટાર સિંગર’ અને ‘ચૅમ્પિયન્સ કા ટશન’ જેવા શોનો તે હોસ્ટ પણ રહી ચૂક્યો છે. ‘હમ-તુમ ઔર ક્વા‍ૅરન્ટાઇન’ અને ‘ખતરા ખતરા ખતરા’ આ બન્ને શોનો તે ફક્ત હોસ્ટ જ નહીં, પ્રોડ્યુસર પણ રહી ચૂક્યો છે. ‘ફનહિત મેં જારી’ નામનો શો તેણે લખ્યો પણ ખરો અને પ્રોડ્યુસ પણ કર્યો. આજે હર્ષ પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. ત્રણેક કંપનીનો માલિક છે. યુટ્યુબ પર ઘણું કન્ટેન્ટ તે બનાવે છે. એમાં ૬૦૦૦થી વધુ વિડિયો છે જેને ૩.૩ કરોડ વ્યુઝ મળ્યા છે. ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે. જેમ કે ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના ડાયલૉગ્સ હર્ષે લખ્યા છે. ‘મલંગ’ ફિલ્મમાં તેણે એક ગીત પણ લખ્યું છે. એ કિસ્સો યાદ કરતાં તે કહે છે, ‘નચ બલિયે’ના સેટ પર હું મોહિત સૂરિને મળ્યો. મેં તેમને પૂછ્યું કે તમે કઈ રીતે ગીતને સિલેક્ટ કરો? તો તેમણે મને કહ્યું કે એક ધૂન હું એકસાથે ૮-૧૦ લોકોને મોકલું છું, બધાના શબ્દો આવે ત્યારે હું પૂછતો નથી કે કયું કોણે લખ્યું છે, હું આંખ બંધ કરી સાંભળું છું અને એમાં જે મને ગમે એ હું નક્કી કરું છું. તેમણે મને પૂછ્યું તું ગીત લખે છે? મેં તેમને કહ્યું કે લખતો તો નથી, પણ લખી લઈશ. મેં ગીત લખ્યું એના બોલ તેમને ગમ્યા અને એ ‘મલંગ’નું ટાઇટલ-ટ્રૅક બની ગયું.’

બાળપણ

હર્ષના દાદા મૂળ મહેસાણાના, પણ વર્ષોથી મુંબઈમાં વસેલા હતા. હર્ષ કાંદિવલીના ચારકોપમાં જન્મ્યો અને મોટો થયો. સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં તે ભણ્યો. પપ્પાનું કાપડનું કારખાનું હતું જ્યાં કપડાની ડિઝાઇનિંગનું કામ થતું. મમ્મી છૂટક પાર્લરનું કામ કરતાં. હર્ષથી ૪ વર્ષ મોટી એક બહેન હતી, તે નાની ઉંમરે જ ગુજરી ગઈ. હર્ષ ખૂબ જ તોફાની બાળક. શિક્ષક ક્યારે ક્લાસની બહાર કાઢશે એની રાહ તે જોયા કરતો. પોતે નાનપણમાં કેવો હતો એ વિશે વાત કરતાં હર્ષ કહે છે, ‘મેં નવમા ધોરણમાં એક કવિતા લખી હતી જે મારા શિક્ષકે જોઈને પૂછ્યું હતું કે આ ક્યાંથી ઉઠાવી તેં? મેં તેમને કહ્યું કે મેં જ લખેલી, પણ તેમને માનવામાં ન આવ્યું. એ સમયે સમજાયું કે મને લખતાં આવડે છે. સમય મળ્યે વાર્તાઓ લખ્યા કરતો. ગુજરાતી માધ્યમમાં ભણતો હતો એટલે ત્યારે તો ગુજરાતીમાં જ લખતો, પણ મનમાં એવું કઈ વિચારેલું નહીં કે હું લેખક બનીશ. મેં પેટ્રોલ-પમ્પ પર પ્રમોશન્સનાં કામ પણ કર્યાં છે જેમાં અઠવાડિયાના ૩૦૦ રૂપિયા મળતા હતા. એ પછી એ જ કામ કમિશન લઈને હું બીજાને આપતો થયો. આ બધા ચક્કરમાં જ મેં દસમાની એક્ઝામ ન આપી. ભણ્યો જ નહોતો તો એક્ઝામ દઈને શું કરું? રીએક્ઝામમાં બેઠો અને પાસ થઈ ગયો. એ સમયે એક મૅગેઝિનમાં મૅનિફેસ્ટેશન પર મેં લેખ લખેલો. આમ કંઈ ને કંઈ કરતો રહ્યો જેથી આવક ચાલુ રહે.’

પાઠ

‘લાપતાગંજ’માં એક મહિનાના ૩૦,૦૦૦ રૂપિયા મળવા લાગ્યા પછી ૩ મહિનાની અંદર જ નોકરી છોડી દીધી. એનું કારણ જણાવતાં હર્ષ કહે છે, ‘મને પહેલા જ બૉલમાં સિક્સર જેવું થયું. નોકરી મળી ગઈ, એપિસોડ બનવા લાગ્યા એટલે મને લાગ્યું કે હું તો લેખક બની ગયો. દસમા ધોરણના છોકરામાં નોકરી કઈ રીતે કરાય એની સમજ હતી નહીં. છોકરમત હતી મારી અંદર. મને થયું કે એક નોકરી ગઈ તો બીજી મળી જશે, પણ પછી ૬ મહિના ખૂબ સ્ટ્રગલ કરી. કામ સરળતાથી નથી મળતું એ પણ સમજાયું. મેં ગાંઠ બાંધી લીધી કે કોઈ જગ્યાએ ઓવરસ્માર્ટ થવાની જરૂર નથી. એક વસ્તુ તો નક્કી હતી કે મારે તો ફક્ત કામ કરવું હતું એટલે જે મળે એમાં મને વાંધો નહોતો. દૂરદર્શનમાં પણ મેં થોડા દિવસ કામ કર્યું. હું બીજા છોકરાઓની જેમ ખાવામાં, રમવામાં કે વિડિયોગેમમાં સમય પસાર નહોતો કરતો. હું સતત એ વિચારતો રહેતો કે કામ કઈ રીતે કરીશું કે ક્યાં મળશે.’

પ્રેમ અને લગ્ન

હર્ષે એ દરમ્યાન મરાઠી શો માટે લખ્યું. તેણે ૪-૫ સ્ક્રિપ્ટ લખી હતી જે કૉમેડી સર્કસવાળાઓને ખૂબ ફની લાગી. એ દરમ્યાન હર્ષે માસ કમ્યુનિકેશનના કોર્સમાં ઍડ્મિશન લઈ લીધું. કૉમેડી સર્કસ કરતાં-કરતાં ભણવાનું પતાવ્યું એટલે કોર્સ પર ખાસ ધ્યાન ન અપાયું. ૨૦૧૦થી ૨૦૧૭ સુધી તેણે કૉમેડી સર્કસમાં કામ કર્યું. ભારતીને તે ત્યાં જ મળ્યો. હર્ષ લખતો અને ભારતી એના પર પર્ફોર્મ કરતી. ધીમે-ધીમે મિત્રતા થઈ અને બન્ને પ્રેમમાં પડ્યાં. પ્રપોઝ હર્ષે કર્યું. ભારતીની ખ્યાતિ એ સમયે ઘણી વધુ હતી એટલે લોકોએ શરૂઆતમાં હર્ષને ખૂબ ટ્રોલ કરેલો. એ વિશે વાત કરતાં હર્ષ કહે છે, ‘મને આ વાતનો અંદાજ આવી ગયેલો કે આવું થશે. મારો પ્રેમ ગમે એટલો સાચો હશે પણ લોકોને લાગશે કે મેં ચાહીને આવું કર્યું છે. હકીકતે પૈસાનો અભાવ ક્યારેય હતો જ નહીં અમારા જીવનમાં. મારા નાનપણમાં અમે ખૂબ અમીર નહોતા, પણ ઘણું સારું જીવન જીવતા હતા. લેખક તરીકે પણ હું સારું જ કમાતો હતો. મારી પાસે ઘર-ગાડી બધું જ હતું. હું સધ્ધર હતો. ભારતીના જીવનમાં આવ્યા પછી સુખી પણ થયો. અમે બન્નેએ નચ બલિયેમાં ભાગ લીધો ત્યારે લોકો અમારા પ્રેમને સમજ્યા. પછી ભારતીના ફૅન અમારી લવસ્ટોરીના ફૅન બની ગયા. ‘નચ બલિયે’માંથી જે પૈસા મળ્યા એનું અમે પ્રોડક્શન-હાઉસ ખોલ્યું. કામ કરતાં ગયાં અને જીવન વધુ ને વધુ સારું બનતું ગયું.’

ભારતી પંજાબી છે અને તમે ગુજરાતી તો પેરન્ટ્સ માની ગયા લગ્ન માટે? એ પ્રશ્નનો જવાબ આપતાં હર્ષ કહે છે, ‘બીજાં માતા-પિતા લવ-મૅરેજનું નામ સાંભળીને જે રીઍક્શન આપે એવું જ મારાં માતા-પિતાએ આપ્યું હતું, પણ મેં તેમને સમજાવ્યાં. ભારતી માટે સંસ્કૃતિનો ફરક હતો પણ તે ઘણી ઘરેલુ છે એટલે ખાસ તકલીફ તેને પણ પડી નથી. મમ્મી-પપ્પા નીચે અને અમે ઉપર એમ એક જ બિલ્ડિંગમાં અમે રહીએ છીએ. અત્યારે અમારાં બે બાળકો છે. એકને અમે ગોલા બોલાવીએ છીએ જેનું નામ લક્ષ્ય છે અને બીજાને કાજુ બોલાવીએ છીએ જેનું નામ યશવીર છે. અમે એક સુખી પરિવાર છીએ.’

હર્ષ લિમ્બાચિયા પત્ની ભારતી સિંહ અને બાળકો લક્ષ્ય-યશવીર સાથે

જલદી ફાઇવ

સુખ : સુખ પરિવારમાં છે, સબંધોમાં છે અને મારા બધા જ સંબંધોનો આધાર મૈત્રી છે એટલે હું અત્યંત સુખી છું.

શોખ : મને ગાડીઓનો, ઘડિયાળનો, દરેક પ્રકારની લક્ઝરીનો શોખ છે. બીજાને બતાવવા માટે નહીં, ખુદ માટે એ વસ્તુઓ છે.

બકેટ લિસ્ટ : મારે તો ઘણુંબધું કરવું છે. ડિરેક્શન, પ્રોડક્શન, રાઇટિંગ, ઍક્ટિંગ બધું જ. અમે હમણા એક ઍપ બનાવીએ છીએ જેના પર અમારું કન્ટેન્ટ નાખીશું. મારે જીવનમાં બધું જ કરવું છે; પણ બધું મારી શરતો પર, મને ગમે એ રીતે.

અફસોસ : મને ખૂબ અફસોસ છે કે મેં ભણતરને ગંભીરતાથી ન લીધું. ભણ્યો હોત તો આ જે ૩ કંપનીનું કામ છે એ વધુ સરળતાથી સમજીને પૂરું કરી શક્યો હોત.

જીવનનો સિદ્ધાંત : ક્યાંય પાછા ન પડવું. મારી અંદરનો ગુજરાતી મને સતત એ આત્મવિશ્વાસ આપે છે કે જે મેં નથી કર્યું એ કામ પણ હું ધારું તો કરી લઈશ, કરવા માંડું તો કરી શકીશ. હું બધે આ જ રીતે ઘૂસ્યો છું. કોઈ પૂછે કે આ કામ? તો હું કહું કે હા, થઈ જશે, હું કરી લઈશ.

haarsh limbachiyaa bharti singh indian television television news tv show entertainment news Jigisha Jain