14 April, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરવ ખન્ના
લગભગ ચાર મહિના પછી સેલિબ્રિટી કુકિંગ રિયલિટી શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ની ગ્રૅન્ડ ફિનાલે યોજાઈ હતી અને ‘અનુપમા’નો ભૂતપૂર્વ ઍક્ટર ગૌરવ ખન્ના આ શો જીતી ગયો છે. તેણે તેજસ્વી પ્રકાશ અને નિકી તંબોલીને હરાવીને આ શોની ટ્રોફી મેળવી છે. ગૌરવને વિજેતા બનવા બદલ ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા ઇનામરૂપે આપવામાં આવ્યા છે. આ શોમાં નિકી તંબોલી બીજા નંબરે રહી છે, જ્યારે તેજસ્વી પ્રકાશ સેકન્ડ રનરઅપની પોઝિશન પર રહી હતી.
સોનીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને ગૌરવને ભારતનો પહેલો સેલિબ્રિટી માસ્ટરશેફ જાહેર કરવામાં આવ્યો છે. સેલિબ્રિટી માસ્ટરશેફની ગ્રૅન્ડ ફિનાલેમાં શેફ સંજીવ કપૂર પણ ખાસ મહેમાન તરીકે જજ-પૅનલમાં જોડાયા હતા. શોનાં જજ ફારાહ ખાન, વિકાસ ખન્ના અને રણવીર બ્રાર સાથે સંજીવ કપૂર પણ હાજર હતા. તેમણે અન્ય સ્પર્ધકોએ બનાવેલા ભોજનનો સ્વાદ ચાખ્યો હતો અને કહ્યું હતું કે કોણે શ્રેષ્ઠ વાનગી બનાવી છે અને તેમણે ગૌરવ ખન્નાને વિજેતા જાહેર કર્યો હતો.