એક સમયે લોકો મને પનોતી કહેવા લાગ્યા હતા

07 August, 2026 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારકિર્દીના મુશ્કેલ દિવસો યાદ કરીને ઇમોશનલ થયો ગૌરવ ખન્ના

ગૌરવ ખન્ના

ટીવી-સ્ટાર ગૌરવ ખન્નાએ સફળતા સુધી પહોંચવા માટે લાંબો અને પડકારજનક સંઘર્ષ કર્યો છે. તાજેતરમાં ગૌરવે સ્ટન્ટ આધારિત રિયલિટી શો ‘ખતરોં કે ખેલાડી 15’માં કામ કર્યું છે.
ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો પોતાનો અનુભવ જણાવતાં ગૌરવ ખન્નાએ કહ્યું હતું કે ‘મારી કારકિર્દીમાં એવો સમય આવ્યો હતો જ્યારે મારા કેટલાક શો લાંબા સમય સુધી ચાલી શક્યા નહોતા. શરૂઆતમાં આ ચર્ચા માત્ર ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સુધી મર્યાદિત હતી, પરંતુ ધીમે-ધીમે એ અફવા બની ગઈ. લોકો મને ‘બદકિસ્મત’ અને ‘પનોતી’ કહેવા લાગ્યા. સૌથી વધુ દુઃખની વાત એ હતી કે આ વાતની અસર મારા કામ પર પણ પડવા લાગી. અનેક નિર્માતા અને દિગ્દર્શકો મને કાસ્ટ કરતાં ખચકાવા લાગ્યા અને નવા પ્રોજેક્ટ્સ મળવાના ઓછા થઈ ગયા. આ મારા જીવનનો સૌથી પીડાદાયક સમય હતો. હું હંમેશાં માનું છું કે કોઈ પણ શોની સફળતા કે નિષ્ફળતા માટે એકમાત્ર કલાકાર જવાબદાર નથી હોતો. એક સિરિયલને સફળ બનાવવા માટે લેખક, દિગ્દર્શક, નિર્માતા, ટેક્નિકલ ટીમ અને તમામ કલાકારો મળીને મહેનત કરે છે. એવા સમયે માત્ર એક અભિનેતાને નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવું સંપૂર્ણપણે ખોટું છે. એ સમયે ઘણી વખત મેં પોતાને પણ સવાલ કર્યો કે ક્યાંક ખરેખર મારી અંદર જ કોઈ ખામી તો નથીને? છતાં દરેક વખતે મેં મારી જાતને સંભાળી અને મારા કામ પર વિશ્વાસ જાળવી રાખ્યો. જો એ સમયે મેં હાર માની લીધી હોત તો કદાચ આજે હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. મુશ્કેલ સમય જ વ્યક્તિની સાચી કસોટી કરે છે અને એને વધુ મજબૂત પણ બનાવે છે.’

gaurav khanna akanksha chamola television news indian television telly celebrity news entertainment news