પેરન્ટ્સ બાદ હિમાંશ કોહલીને પણ કોરોના

06 September, 2020 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેરન્ટ્સ બાદ હિમાંશ કોહલીને પણ કોરોના

હિમાંશ કોહલી

હિમાંશ કોહલીના પેરન્ટ્સ બાદ હવે તેને પણ કોરોના થયો છે. તેણે થોડા દિવસ અગાઉ જ ટેસ્ટ કરાવી તો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે તેને લક્ષણ દેખાતાં તેણે ફરી ટેસ્ટ કરાવી હતી. તેની ફૅમિલી રિકવર થઈ રહી છે. હિમાંશ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી. એ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે ‘ભગવાનની કૃપાથી અને તમારી પ્રાર્થનાથી મારી ફૅમિલીની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. ઘણી વખત આપણને એમ લાગે છે કે આપણી ઇમ્યુનિટી સારી છે, અમને કંઈ ન થઈ શકે, અમે ફાઇટર છીએ વગેરે વગેરે. સાથે એમ પણ વિચારીએ છીએ કે અમે બરાબર સાવધાની લઈએ છીએ. મારા પેરન્ટ્સ અને મારી બહેનની દેખરેખ કર્યા બાદ મારામાં પણ એનાં લક્ષણ દેખાવા માંડ્યાં હતાં. એથી મેં ટેસ્ટ કરાવી અને મારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. મારે ગભરાવાની જરા પણ જરૂર નથી, કેમ કે રિકવરી રેટ ખૂબ હાઈ છે. હું કહેવા માગું છું કે દરેક વ્યક્તિ આ કોરોના વાઇરસને લઈને અલગ-અલગ રીતે જણાવે છે. ખરું કહું તો ફૅમિલીમાં અમારા ચારેયનાં એનાં લક્ષણ અને પરિણામ પણ અલગ હતાં. એથી એને હલકામાં ન ગણો અને શક્ય એટલી કાળજી રાખો. પ્રાર્થના કરો કે એ વાઇરસ તમારી આસપાસ ન આવે. આ વાઇરસ ક્યાંયથી પણ અને કોઈ પણ રીતે આવી શકે છે. એથી સાવધ રહો. હું ત્રણ ઉપાયો કરી રહ્યો છું એ હું તમારી સાથે શૅર કરું છું...

૧. ગરમ પાણી લીંબુ અથવા તો હળદર સાથે લો. સામાન્ય પાણી સાથે પણ તમે લઈ શકો છો. તમારી જાતને હાઇડ્રેટ રાખો.

૨. ગરમ પાણીથી સ્નાન કરો, ૧ ટૅબ્લેટ કારવોલને પાણીમાં ઉમેરો.

3. મલ્ટિ-વિટામિન્સ (ખાસ કરીને C, D અને B-12) ઇમ્યુનિટી વધારવા માટે લો.

ઇન્ફેક્શન થાય એની રાહ ન જુઓ, એ પહેલાં જ કાળજી લેવાનું શરૂ કરો. તમારી અને તમારી ફૅમિલીનું ધ્યાન રાખો.’

આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિમાંશ કોહલીએ કૅપ્શન આપી હતી, ‘મારો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું બે અઠવાડિયાં સુધી બેડ-રેસ્ટ લેવાનો છું. જરા પણ નિષ્કાળજી ન દેખાડતા. તમને હંમેશાં એમ લાગશે કે તમને ઇન્ફેક્શન નથી લાગ્યું. પ્લીઝ, તમારી અને તમારી ફૅમિલીની કાળજી લો. સાથે જ આ બીમારી સાથે જોડાયેલી જે પણ ખોટી ધારણાઓ છે એનાથી દૂર રહો.’

entertainment news television news indian television coronavirus covid19 himansh kohli