17 May, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તસવીરો શૅર કરીને હિનાએ કોરિયા ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશનનો આભાર માન્યો હતો
હિના ખાને હાલમાં તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરીને ફૅન્સ અને ફૉલોઅર્સને મોટા સમાચાર આપ્યા હતા. હિનાએ જણાવ્યું છે કે તેને કોરિયા ટૂરિઝમની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને આ સન્માન મેળવીને તે અત્યંત ખુશ અને ઉત્સાહી છે. પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તસવીરો શૅર કરીને હિનાએ કોરિયા ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશનનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે ‘કોરિયા ટૂરિઝમની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિયુક્તિ થવી એ મારા માટે ગૌરવની વાત છે. કોરિયાની સુંદરતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે હું ઉત્સાહી છું. આ સન્માનથી મળેલી ખુશીને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.’
કોરિયા ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન (KTO) દ્વારા હિના ખાનને મે ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ સુધીના સમયગાળા માટે ભારતમાંથી કોરિયા ટૂરિઝમની ઓનરરી ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ નિમણૂકનો સત્તાવાર સમારોહ સોલના KTO સોલ સેન્ટરમાં યોજાયો હતો. આ નિમણૂક દ્વારા હિના KTOના મિશનમાં જોડાઈ છે, જેનો ઉદ્દેશ છે ભારતીય પ્રવાસીઓમાં કોરિયાને પસંદગીના પ્રવાસ-સ્થળ તરીકે વધુ દૃશ્યમાન અને આકર્ષક બનાવવાનો.
સાઉથ કોરિયામાં બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ સાથે હિના ખાન
આ નિમણૂકના પ્રસંગે હિનાએ પોતાના ઉત્સાહને વ્યક્ત કરતાં કહ્યું કે ‘કોરિયા ટૂરિઝમના ઓનરરી ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત થવું એ મારા માટે મોટું સન્માન છે. કોરિયા હંમેશાં મને આકર્ષિત કરે છે. એના સુંદર લૅન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ પરંપરાઓથી લઈને K-ડ્રામા અને K-પૉપની વૈશ્વિક લોકપ્રિયતા સુધી તમામ વસ્તુઓ મને આકર્ષે છે. હું ભારતીયોને આ અદ્ભુત સ્થળની શોધખોળ કરવા પ્રોત્સાહિત કરવા ખરેખર ઉત્સાહી છું.’