15 July, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાંક્ષા ચમોલા
ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાની રિલેશનશિપ ઘણા સમયથી ચર્ચામાં છે. રિયલિટી શોના ‘લૉક અપ’ના દરેક નવા એપિસોડ સાથે આકાંક્ષા પોતાના અંગત જીવન વિશે નવા નવા ખુલાસા કરી રહી છે. શોના પ્રીમિયર એપિસોડમાં તેણે ગૌરવ ખન્ના સાથે અલગ થવાની જાહેરાત કરી હતી. આ સિવાય અગાઉ તેણે શોમાં જ સ્પષ્ટતા કરી હતી કે ગૌરવથી અલગ પડ્યા પછી તેની ફરી લગ્ન કરવાની કોઈ યોજના નથી. હવે તેણે પોતાના જીવનના હાલના તબક્કામાં પોતાને ‘એસેક્સ્યુઅલ’ એટલે કે કોઈ પણ જેન્ડર તરફ આકર્ષણ ન અનુભવાતું હોય એવી વ્યક્તિ ગણાવી છે.
‘લૉક અપ’માં સહ-સ્પર્ધક વરુણ યાદવ ઉર્ફે લૈલા સાથેની વાતચીત દરમ્યાન આકાંક્ષાએ પોતાના મનની વાત ખુલ્લેઆમ કહી હતી. લૈલાએ આકાંક્ષાને પૂછ્યું કે શું તે ભવિષ્યમાં ફરી લગ્ન કરવાનું વિચારશે કે પછી આખી જિંદગી સિંગલ રહેશે? તેના જવાબમાં આકાંક્ષાએ કહ્યું, ‘મને હવે ડર બેસી ગયો છે.’ આ પછી લૈલાએ પૂછ્યું કે શું સમયની સાથે વ્યક્તિની સેક્સ્યુઅલિટી બદલાઈ શકે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આકાંક્ષાએ કહ્યું, ‘સેક્સ્યુઅલિટી વ્યક્તિના જીવનના અલગ-અલગ તબક્કા પ્રમાણે બદલાતી રહે છે. હાલમાં મારા છૂટાછેડા થઈ રહ્યા છે. અત્યારે મને કોઈની સાથે શારીરિક સંબંધ રાખવાની ઇચ્છા નથી. મને ન તો કોઈ સ્ત્રી સાથે અને ન તો કોઈ પુરુષ સાથે એવો સંબંધ રાખવાની ઇચ્છા છે. આ મારા જીવનનો હાલનો તબક્કો છે. મારા જીવનમાં એક અલગ તબક્કો ચાલી રહ્યો છે, જેને એસેક્સ્યુઅલ કહેવામાં આવે છે. હું સંપૂર્ણપણે એસેક્સ્યુઅલ બની ગઈ છું.’