વાસ્તવિક જીવનમાં હું બિલકુલ રોમૅન્ટિક નથી

01 July, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરવ ખન્નાના ડિવૉર્સની ચર્ચા વચ્ચે તેનો જૂનો વિડિયો ફરી ચર્ચામાં આવ્યો છે

ગૌરવ ખન્ના

ટીવી-ઍક્ટર ગૌરવ ખન્ના અને તેની પત્ની આકાંક્ષા ચમોલાનું અંગત જીવન ચર્ચામાં છે. તાજેતરમાં આકાંક્ષાએ નેટફ્લિક્સના રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝનમાં ખુલાસો કર્યો હતો કે તે અને ગૌરવ ડિવૉર્સ લેવાનાં છે. આ સંજોગોમાં ગૌરવનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરીથી ચર્ચામાં છે જેમાં તે આકાંક્ષા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતો જોવા મળે છે.

ગૌરવે વાતચીત દરમ્યાન આકાંક્ષા સાથેના સંબંધો વિશે કહ્યું હતું, ‘ટીવી પર મને હંમેશાં રોમૅન્ટિક અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે, પણ વાસ્તવિક જીવનમાં હું બિલકુલ રોમૅન્ટિક નથી. આ વાત આકાંક્ષા પણ ઘણી વખત કહી ચૂકી છે. અમારી પ્રેમકથા અચાનક શરૂ થઈ હતી અને મારા જીવનમાં ઘણી બાબતો અચાનક જ બની છે. હું એક ઑડિશન આપવા ગયો હતો ત્યાં મેં પહેલી વાર આકાંક્ષાને જોઈ હતી અને તે મને ગમી ગઈ હતી. કદાચ હું પણ તેને ગમ્યો હોઈશ. ત્યાર બાદ માત્ર આઠથી ૯ મહિનામાં જ અમે લગ્ન કરી લીધાં. અમે બન્ને એકબીજાથી સંપૂર્ણપણે અલગ સ્વભાવનાં છીએ અને કદાચ વિપરીત સ્વભાવ જ એકબીજાને સૌથી વધુ આકર્ષે છે.’

હું હંમેશાં તેની સાથે ઊભો છું અને તેને સપોર્ટ કરું છું

આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના ખુલાસા પછી ગૌરવ ખન્નાનું આવ્યું પહેલું રીઅૅક્શન

ટીવી-ઍક્ટર અને રિયલિટી શો ‘બિગ બોસ 19’ના વિજેતા ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા હાલમાં ‘લૉક-અપ’ની બીજી સીઝનમાં જોવા મળી રહી છે. આકાંક્ષાએ શોમાં ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે તે અને ગૌરવ છૂટાછેડા લેવા જઈ રહ્યાં છે. તેણે એ પણ કહ્યું કે બન્ને લગભગ એક વર્ષથી અલગ રહે છે. આકાંક્ષાના આ ખુલાસા પછી હવે ગૌરવે પહેલી વાર આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ડિવૉર્સની ચર્ચાઓ વચ્ચે ગૌરવ ખન્ના હાલમાં ‘ખતરોં કે ખિલાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમ્યાન સોમવારે તે ‘લાફ્ટર શેફ્સ’ના સેટ પર જોવા મળ્યો હતો. સેટની બહાર ફોટોગ્રાફર્સ સાથે વાતચીત દરમ્યાન એક ફોટોગ્રાફરે તેને પૂછ્યું, ‘ગૌરવભાઈ, કેમ છો?’ જવાબમાં ગૌરવે સ્મિત સાથે કહ્યું, ‘બસ યાર, જે પહેલાં હતું એ જ હાલ છે. પ્રેમ આજે પણ એટલો જ છે, સપોર્ટ આજે પણ એટલો જ છે. હું તો હંમેશાં આકાંક્ષાને સપોર્ટ કરીશ. તે મારી પત્ની છે યાર. પ્રેમ કર્યો છે તો પાછળ કેમ હટું?’
આ પછી ફોટોગ્રાફરે કહ્યું કે તેના લગ્નજીવન વિશે ઘણી વિવાદાસ્પદ ચર્ચા ચાલી રહી છે ત્યારે જવાબ આપતાં ગૌરવે કહ્યું હતું કે ‘આકાંક્ષાને જીવન માટે ખૂબ શુભેચ્છાઓ. હું હંમેશાં તેની સાથે ઊભો છું અને તેને સપોર્ટ કરું છું. તે સારું રમે અને શો જીતીને આવે એવી મારી શુભેચ્છા છે.’

television news indian television gaurav khanna akanksha chamola sex and relationships social media entertainment news