ચાર વર્ષની ઉંમરથી જ ગાયકી શીખવાનું શરૂ કરેલું માનસી ઘોષે

09 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન આઇડલ 15ની આ વિજેતાને ઇનામમાં મળ્યાં હતાં ટ્રોફી, પચીસ લાખ રૂપિયા અને કાર. તે બાળપણથી જ પ્રોફેશનલ સિન્ગર બનવા ઇચ્છતી હતી અને તેણે ચાર વર્ષની વયથી ગાવાનું શીખવાની શરૂઆત કરી હતી.

માનસી ઘોષ

ઇન્ડિયન આઇડલ 15’નો અંત આવી ગયો છે અને આ સીઝનની વિજેતા બની છે માનસી ઘોષ. રવિવારે આ શોના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. આ શોમાં વિજેતા બનવા બદલ માનસીને વિજેતાની ટ્રોફી, એક કાર અને પચીસ લાખ રૂપિયા ઇનામમાં મળ્યાં.

૨૪ વર્ષની માનસી ઘોષ કલકત્તાની રહેવાસી છે અને તેને બાળપણથી જ સિન્ગિંગનો શોખ છે. તે બાળપણથી જ પ્રોફેશનલ સિન્ગર બનવા ઇચ્છતી હતી અને તેણે ચાર વર્ષની વયથી ગાવાનું શીખવાની શરૂઆત કરી હતી. તેણે કલકત્તાની ક્રાઇસ્ટચર્ચ ગર્લ્સ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે અને પછી અંગ્રેજીમાં સ્નાતક થઈ છે. ‘ઇન્ડિયન આઇડલ’ પહેલાં માનસી ‘સુપરસ્ટાર સિન્ગર સીઝન ૩’માં પણ ભાગ લઈ ચૂકી છે. માનસી આ શોની પહેલી રનર-અપ હતી અને હવે તે ઇન્ડિયન આઇડલ 15ની ટ્રોફી જીતીને ચર્ચામાં છે.

‘ઇન્ડિયન આઇડલ 15’ની ફિનાલેમાં માનસીની શુભોજિત ચક્રવર્તી, સ્નેહા શંકર, ચૈતન્ય દેવોધે, પ્રિયાંશુ દત્તા અને અનિરુદ્ધ સુસ્વરમ સાથે સ્પર્ધા હતી. આ સ્પર્ધા બાદ માનસીએ ટાઇટલ જીત્યું, જ્યારે શુભોજિત ફર્સ્ટ રનર-અપ અને સ્નેહા શંકર સેકન્ડ રનર-અપ રહ્યાં હતાં. આ શોમાં જ્યારે વિજેતાની જાહેરાત કરવામાં આવી ત્યારે શોનાં જજ શ્રેયા ઘોષાલ, વિશાલ દાદલાણી, રૅપર બાદશાહ અને હોસ્ટ આદિત્ય નારાયણની સાથે મિકા સિંહ, શિલ્પા શેટ્ટી, રવીના ટંડન જેવાં સ્ટાર્સ પણ હાજર રહ્યાં હતાં.

માનસીને સિન્ગિંગની સાથે-સાથે બાળપણથી જ ડાન્સનો શોખ છે અને તેણે ડાન્સના ક્લાસ પણ કર્યા છે, પરંતુ પછી ધીમે-ધીમે માનસીએ ફક્ત ગાયન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું અને હવે તે ‘ઇન્ડિયન આઇડલ 15’ની વિજેતા બની છે. હાલમાં માનસીએ પોતાનું પહેલું બૉલીવુડ ગીત પણ રેકૉર્ડ કર્યું છે. તેણે લલિત પંડિતની આગામી ફિલ્મ ‘મન્નુ ક્યા કરોગે’ માટે ગાયક શાન સાથે ગીત ગાયું છે.

indian idol indian idol junior vishal dadlani indian television sony entertainment television television news entertainment news