20 July, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૌન બનેગા કરોડપતિ 18
‘કૌન બનેગા કરોડપતિ’ શો એની ૧૮મી સીઝન સાથે નવા અંદાજમાં પરત ફરી રહ્યો છે અને આ વખતે પણ શોના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન જ જોવા મળશે. આ શોની નવી સીઝનની થીમ ‘સોચના પડેગા’ રાખવામાં આવી છે જે સરળતાથી માહિતી ઉપલબ્ધ હોય એવી દુનિયામાં વિચારપૂર્વક નિર્ણય લેવાનું મહત્ત્વ દર્શાવે છે. આ સીઝનમાં માત્ર સાચો જવાબ જાણવો જ પૂરતો નહીં હોય પણ વિચારવાની, સમજવાની અને પોતાના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતાને વધુ મહત્ત્વ આપવામાં આવશે. અમિતાભના સંચાલનમાં ‘કૌન બનેગા કરોડપતિ 18’ની શરૂઆત ૧૦ ઑગસ્ટથી દરરોજ રાત્રે ૯ વાગ્યે થશે. શોના નવા એપિસોડ સોમવારથી શુક્રવાર સુધી સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત કરવામાં આવશે.
ચૅનલે અમિતાભ બચ્ચન સાથે શોના ત્રણ નવા પ્રોમો જાહેર કર્યા છે. દરેક પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોનું જ્ઞાન મેળવવાનું સ્વરૂપ કેવી રીતે બદલાયું છે. સાથે જ નવી સીઝનનો મુખ્ય સંદેશ એ છે કે ઘણી વખત સાચો જવાબ તરત આપી દેવાને બદલે થોડું રોકાઈને વિચારવાથી મળે છે.
પહેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘આજકાલ જવાબ તો દરેક જગ્યાએ મળી જાય છે, તમારા ખિસ્સામાં પણ. સમજ્યા નહીં? અરે ભાઈસાહેબ, તમારા ફોનમાં. એટલે આ વખતે KBCમાં અમે કંઈક બદલવાનો પ્રયાસ કર્યો છે. હવે માત્ર જવાબ યાદ રાખવાથી કામ નહીં ચાલે, એ જવાબ સુધી પહોંચવા માટે તમારે વિચારવું પડશે. હા, વિચારવું પડશે.’ બીજા પ્રોમોમાં જણાવવામાં આવ્યું છે કે આ સીઝનમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન પૂરતું નહીં હોય. અમિતાભ બચ્ચન કહે છે, ‘ભૂગોળ, ઇતિહાસ અને વિજ્ઞાનનું જ્ઞાન આ વખતે KBCમાં પૂરતું નહીં હોય કારણ કે હવે રમત બદલાઈ ગઈ છે. માત્ર જવાબ યાદ રાખવાથી કામ નહીં ચાલે, વિચારવું પડશે. હા, વિચારવું પડશે.’ ત્રીજા પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે દુનિયા બદલી નાખી છે અને આ બદલાવ હવે અટકવાનો નથી. જે ગઈ કાલ સુધી અશક્ય લાગતું હતું, એ આજે પળભરમાં શક્ય બની જાય છે. આ બદલાતી દુનિયા સાથે આપણે પણ બદલાવું પડશે. આ કારણે KBCમાં પણ અમે કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે. હવે જવાબ આપતા પહેલાં તમારે વિચારવું પડશે.’