`ક્યુંકી સાસ ભી કભી બહુ થી` અભિનેતા અને તેની પત્નીને મળી જાનથી મારી નાખવાની ધમકી

15 October, 2025 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ અને ટૅકનોલોજી સ્ટાફને સુરક્ષા પૂરી પાડવા માટે પહેલાથી જ સૂચનાઓ જાહેર કરી દીધી છે. તેથી, મુકેશ અને મંજુને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે, અને આરોપીઓ સામે કાર્યવાહી કરશે.

મુકેશ અને પૂજા ભારતી

ટીવી શો ‘સાસ ભી કભી બહુ થી’માં અભિનય કરનારા અભિનેતા મુકેશ જે. ભારતી અને તેમની પત્ની મંજુ મુકેશ ભારતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝિયાબાદમાં એક ફિલ્મના શૂટિંગ માટે આ ધમકી આપવામાં આવી હોવાનો તેમણે આરોપ કર્યો છે. તેમને ધમકી આપનાર વ્યક્તિએ પોતાને કુખ્યાત રવિ પૂજારી ગૅન્ગનો સભ્ય ગણાવ્યો હતો. આ ઘટના બાદ, બન્નેએ પોલીસ કમિશનર પાસે સુરક્ષાની માગણી કરી છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આજે તેઓ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. `ક્યુંકી સાસ ભી કભી બહુ થી` ફેમ અભિનેતા મુકેશ જે ભારતી અને નિર્માતા મંજુ ભારતી આજે બપોરે 3 વાગ્યે ગૅન્ગસ્ટર રવિ પૂજારીની ગૅન્ગ વિરુદ્ધ કેસ નોંધાવવા માટે વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકીઓ, અપહરણની ધમકીઓ અને પૈસા પડાવવાના ફોન આવ્યા છે. તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તે યુપીમાં શૂટિંગ કરશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે.

ગાઝિયાબાદમાં શૂટિંગની તૈયારીઓ પછી જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો ભારતીનો આરોપ

મુકેશ જે. ભારતી અને મંજુ મુકેશ ભારતી ગાઝિયાબાદમાં તેમના પ્રોડક્શન હાઉસ, વિવેક ફિલ્મ પ્રોડક્શન્સ હેઠળ નવી ફિલ્મો, ‘પાપા કી પરી’ અને ‘રિકવરી’ નું શૂટિંગ કરવાના હતા. સોશિયલ મીડિયા પર શૂટિંગ વિશે માહિતી શૅર કરતાની સાથે જ, નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિએ તેમને ફોન અને મેસેજ કરી ધમકી આપી હતી. “જો તે શૂટિંગ ચાલુ રાખશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે,” એવી ધમકી આરોપીએ આપી હતી. આરોપીઓએ માત્ર કોલ પર જ નહીં પરંતુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. આ સાથે ગૅન્ગના સભ્યએ ભારતીના પુત્રનું અપહરણ કરવાની ધમકી પણ આપી હોવાનું કહેવાય છે. આ પછી, બન્ને ગાઝિયાબાદ પોલીસ કમિશનર જે. રવિંદર ગૌરને મળ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી. વિવેક ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ ચલાવતી મંજુ ભારતીએ આ ઘટનાની વિગતો આપતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે આરોપીએ ઘણા લોકો સામે કેસ દાખલ કર્યા છે, તેમને ફસાવ્યા છે અને તેમની પાસેથી પૈસા પણ પડાવ્યા છે. આનાથી મંજુ ખૂબ જ ડરી ગઈ છે. નિર્માતા અને અભિનેતાની ફરિયાદ બાદ, પોલીસ કમિશનરે આરોપીઓની શોધ શરૂ કરી છે. તેમણે તેમને કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે ગાઝિયાબાદમાં શૂટિંગ દરમિયાન તેમના માટે સુરક્ષાનો પણ આદેશ આપ્યો છે.

પોલીસે સુરક્ષાની ખાતરી આપી

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ અને ટૅકનોલોજી સ્ટાફને સુરક્ષા પૂરી પાડવા માટે પહેલાથી જ સૂચનાઓ જાહેર કરી દીધી છે. તેથી, મુકેશ અને મંજુને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે, અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ફિલ્મ અભિનેતા મુકેશ ભારતીએ જણાવ્યું હતું કે રવિ પૂજારી ગૅન્ગ દ્વારા અગાઉ પણ બૉલિવૂડના અનેક અગ્રણી વ્યક્તિઓને ધમકી આપી છે.

ravi pujari kyunki saas bhi kabhi bahu thi television news indian television ghaziabad uttar pradesh versova mumbai news entertainment news Crime News