જો રણવીર સિંહને શક્તિમાન તરીકે સાઇન કરવામાં આવશે તો કોર્ટમાં જઈશ

14 August, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ ખન્નાએ દાવો કર્યો કે તેણે મને ત્રણ કલાક સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ મને એ યોગ્ય નથી લાગતો

શક્તિમાન

મુકેશ ખન્નાનો શો ‘શક્તિમાન’ ૯૦ના દાયકાનો સૌથી લોકપ્રિય શો હતો. લાંબા સમયથી શક્તિમાન પર ફિલ્મ બનાવવાની વાત ચાલી રહી છે, પરંતુ હજી સુધી હીરોનું નામ નક્કી થયું નથી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ જણાવ્યું કે શક્તિમાન પરથી બની રહેલી ત્રણ ફિલ્મો ટે​​ક્નિકલ કારણો અને કાસ્ટિંગને લઈને અસહમતીના કારણે રોકી દેવામાં આવી છે. 

આ વિવાદ વિશે વાત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘હકીકતમાં સોની ઇન્ટરનૅશનલ પાસે ૭ વર્ષ માટે ફિલ્મના અધિકારો છે, પરંતુ તેમણે એ કન્ફર્મ કર્યું છે કે પાત્રને લઈને કોઈ સમજૂતી નહીં થાય. આ માટેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ (IPR) હજી પણ મારી પાસે છે. મેં લખાવ્યું છે કે ફિલ્મમાં શક્તિમાનનો આત્મા બદલાશે નહીં. તેમણે કન્ફર્મ કર્યું છે કે તેઓ શક્તિમાનનાં મૂલ્યોમાં ફેરફાર નહીં કરે. જોકે મેં લખાવ્યું નથી કે મારી પરવાનગીથી જ કાસ્ટિંગ થશે. હવે તેમનું કહેવું છે કે અમે તમને જરૂર પૂછીશું, પરંતુ અંતિમ નિર્ણય અમારો જ રહેશે. અહીં જ સમસ્યા સર્જાઈ છે. હું એવા કોઈ ફેરફારને સ્વીકારીશ નહીં જે પાત્રને ખોટી રીતે રજૂ કરે.’

રિપોર્ટ પ્રમાણે શક્તિમાન પર ત્રણ ફિલ્મો બનશે અને દરેક ફિલ્મનું બજેટ ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયાની વચ્ચે છે. આ ફિલ્મના લીડ સ્ટારની પસંદગી વિશે વાત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું કે ‘હું તો એટલું કહીશ કે તમે રામના રોલમાં રાવણ જેવી દેખાતી વ્યક્તિને સાઇન ન કરી શકો. રણવીર મારી ઑફિસે આવ્યો અને તેણે ત્રણ કલાક સુધી મને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે આખરે મને લાગ્યું કે તેને શક્તિમાનના રોલમાં કાસ્ટ ન કરી શકાય. આ બાબતે હું આજે પણ અડગ છું.’

મુકેશ ખન્નાએ દાવો કર્યો છે કે આ મામલે તે કાનૂની લડાઈ માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે ‘હવે આ એક જંગ છે. જો તમે મારી વાત નહીં સાંભળો તો જાઓ અને મને સામેલ કર્યા વિના શક્તિમાન બનાવો. હું ત્યાં સુધી લડીશ જ્યાં સુધી લડી શકું. જો જરૂર પડશે તો હું તેમને કોર્ટમાં લઈ જઈશ. હું શક્તિમાનનાં ગીતો અને સંગીત રિલીઝ નહીં કરી શકું, કારણ કે મેં ભૂલથી એના રાઇટ્સ કોઈ બીજાને વેચી દીધા છે.’

mukesh khanna ranveer singh television news indian television entertainment news