10 November, 2025 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભવ્ય ગાંધી અને નીતીષ ભાલુની
ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી લોકપ્રિય શોમાંના એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભૂતપૂર્વ અભિનેતા ભવ્ય ગાંધીની વાપસી અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓને લઈ નિર્માતા સંસ્થા નીલા ફિલ્મ પ્રોડક્શન્સે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કહ્યું છે કે ભવ્ય ગાંધીના કમબૅક અંગેના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે અને તે ફક્ત અટકળો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ભવ્ય ગાંધીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરવાના અહેવાલો સંપૂર્ણ ખોટા છે. તેના પુનરાગમન અંગેની તાજેતરની અફવાઓ ફક્ત અટકળો છે અને બિનજરૂરી અફવાઓ ફેલાવવાનો હેતુ ધરાવે છે. અમે દર્શકો અને મીડિયા હાઉસને વિનંતી કરીએ છીએ કે આવી અફવાઓની અવગણના કરે.”
પ્રોડક્શન ટીમે વધુમાં કહ્યું કે “હાલમાં શોમાં ટપુનું પાત્ર ભજવનાર નીતીષ ભાલુની ખૂબ સારું કામ કરી રહ્યો છે અને દર્શકો તેના અભિનય અને ઉર્જાની પ્રશંસા કરી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે અસિત કુમાર મોદી દ્વારા નિર્મિત છે, 2008થી સતત પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યો છે અને પેઢીદરપેઢી લોકો સાથે જોડાયેલો રહ્યો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સે ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે કલાકારો સંબંધિત કોઈપણ સત્તાવાર જાહેરાત ફક્ત તેમની તરફથી જ કરવામાં આવશે.”
બીજી તરફ, ભવ્ય ગાંધી, જેમણે 2008થી 2017 સુધી શોમાં ટપુનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી, તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શો છોડવાના કારણો અને કમબૅક અંગે વાત કરી હતી. ભવ્યએ કહ્યું, “મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નથી કે ન તો મેં પૈસા માટે શો છોડ્યો હતો. મને ખબર નથી કે શો માટે કેટલા પૈસા મળતા હતા કારણ કે હું નાનો હતો અને બધું મમ્મી-પપ્પા જ સંભાળતા હતા.” ઇન્ટરવ્યુમાં જ્યારે ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે શોમાં પાછા ફરવા માગે છે, તેણે જવાબ આપ્યો, “હા, ચોક્કસ. હું પાછો જવા ઇચ્છીશ. મને લાગે છે કે મારી લાઇફનું ક્લોઝર મળી જશે. મારી પ્રતિભાને સૌપ્રથમ અસિત મોદીની ઓળખી હતી.” ભવ્યએ 2017માં શો છોડી દીધો હતો અને ત્યારથી તે ગુજરાતી સિનેમામાં સક્રિય રહ્યો છે. આ રીતે, ભવ્ય ગાંધીની વાપસી અંગેની અફવાઓ વચ્ચે, નીલા ફિલ્મ પ્રોડક્શન્સના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે હાલ માટે કોઈ કમબેકની યોજના નથી અને વર્તમાન ટપુ, નીતીષ ભાલુની, જ શોનો ભાગ રહેશે.
TMKOC વિશે
આ શો સોમવારથી શનિવાર દરમિયાન રાત્રે 08:30 વાગ્યે સોની સબ પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. શોએ 17 વર્ષ પૂર્ણ કર્યા છે 4500 કરતાં વધુ એપિસોડ છે.