01 September, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા મરાઠે
જાણીતી દૈનિક ધારાવાહિક `પવિત્ર રિશ્તા`માં અભિનય કરતી જાણીતી ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા મરાઠેનું અચાનક નિધન (Priya Marathe Death) થઇ ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ અભિનેત્રી કેન્સર સામે લડાઈ લડી રહી હતી. હવે 38 વર્ષની વયે તેનું અવસાન થયું છે. તેના અકાળે અવસાનના સમાચારથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી અને તેના ચાહકોને આઘાત લાગ્યો છે. મીરા રોડસ્થિત તેના નિવાસસ્થાને તેણે અંતિમ શ્વાસ લીધા છે.
અભિનેત્રી પ્રિયાને થોડા વર્ષો પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં, તો તેણે કેન્સર સામે અતિબહાદુરીથી લડત આપી હતી અને સફળતાપૂર્વક સ્વસ્થ થઈને ફરી સામાન્ય જીવન જીવતી થઇ હતી. સ્વસ્થ થયાના થોડા સમય સુધી તો તેણે થિયેટર પ્રવાસ માટે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. આમ, તે ફરી શાંતિપૂર્ણ રીતે જીવન જીવતી થઇ ગઈ હતી. જોકે, અચાનકથી ફરી કેન્સરે ઉથલો માર્યો હતો અને આ બીજા ઉથલામાં કેન્સર સામે તે ટકી ન (Priya Marathe Death) શકી.
ટીવી અભિનેત્રી પ્રિયા મરાઠેનો જન્મ 23 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ અને કોલેજ એજ્યુકેશન પણ મુંબઈથી જ પૂરું કર્યું હતું. પછી તેણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો અને પોતાના સપનાને સાકાર કરવા માટે ઘણી સિરિયલોમાં કામ કર્યું.
અભિનેત્રી (Priya Marathe Death)એ જાણીતી સીરીઝ `પવિત્ર રિશ્તા`માં અભિનય કરીને પોતાનું આગવું નામ કર્યું હતું. સોની ટીવીના લોકપ્રિય દૈનિક ધારાવાહિક `બડ઼ે અચ્છે લગતે હૈં`માં પણ તે જોવા મળી હતી, જેનું પ્રીમિયર એપ્રિલ 2012માં થયું હતું. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત મરાઠી સિરિયલ `યા સુખાન્નો યા`થી કરી હતી અને `ચાર દિવસ સાસુચે`, `તુ તિથે મી`, `ઓલમોસ્ટ સુફલ સંપૂર્ણ` અને `યેઉ કાશી તાશી મી નંદાયલા` સહિતના ઘણા લોકપ્રિય શોમાં જોવા મળી હતી. અભિનેત્રી `તુ તીથે મી અને તુઝે મી ગીત ગાત આહે`માં પણ સરસ ભૂમિકાઓ ભજવી હતી, જેમાં પાત્ર મોનિકાના રૂપે તે ખૂબ જાણીતી થઇ હતી. અભિનેત્રીએ બાલાજી ટેલિફિલ્મ્સની ફિલ્મ `કસમ સે’માં વિદ્યા બાલીનું પાત્ર ભજવ્યું હતું.
તે થોડા સમય માટે `બડ઼ે અચ્છે લગતે હૈં’માં જ્યોતિ મલ્હોત્રાના પાત્રમાં પણ જોવા મળી હતી. પ્રિયાએ મરાઠી સિરિયલ ‘તુ તીથે મી’માં પણ કામ કર્યું હતું. ફેબ્રુઆરી 2017માં તે `સાથ નિભાના સાથિયા’ શોમાં જોડાઈ હતી. તેણે આ શોમાં ભવાની રાઠોડની ભૂમિકા (Priya Marathe Death) ભજવી હતી. આ ઉપરાંત તે ઉતરન, ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ, સાવધાન ઇન્ડિયા અને આતા હોઉં દે ધીંગાના’માં પણ જીવ મળી હતી.
38 વર્ષની ઉંમરે અભિનેત્રીના વિદાયથી લોકો આઘાતમાં સરી પડ્યા છે. અભિનેત્રી પ્રિયા મરાઠેએ ટીવીની દુનિયામાં પોતાના અભિનય માટે ઓળખ મેળવી હતી, હવે તેના ચાલ્યા જવાથી સહુ કોઈ આઘાતમાં છે.