25 March, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજીવ ખંડેલવાલ
ઍક્ટર રાજીવ ખંડેલવાલ પોતાના વિચારોને ખુલ્લેઆમ અને નિર્ભય રીતે રજૂ કરવા માટે જાણીતો છે. હાલમાં તેણે કાસ્ટિંગ કાઉચના મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે આ સમસ્યા આજેય સામાન્ય છે અને ઘણી વાર સત્તામાં બેઠેલા લોકો નવા કલાકારોનો ફાયદો ઉઠાવતા હોય છે. અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતાં રાજીવે કહ્યું હતું કે મને નથી લાગતું કે આ પ્રકારના ગુનાઓમાં કોઈ ખાસ ઘટાડો થયો હોય.
કાસ્ટિંગ કાઉચ અંગે પોતાના અલગ દૃષ્ટિકોણને રજૂ કરતાં રાજીવે કહ્યું હતું કે ‘ઘણી વાર લોકો પોતાની નબળી પરિસ્થિતિમાં આવી બાબતો માટે તૈયાર થઈ જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ સરળ રસ્તો પણ શોધતા હોય છે. શૉર્ટકટ અપનાવવા ઇચ્છતા લોકો જીવનના ભાવનાત્મક અથવા મુશ્કેલ સમય દરમ્યાન આવો નિર્ણય લે છે. જો એવું ન હોત તો તેઓ બીજા લોકોની જેમ સંઘર્ષ કરત. જ્યારે હું કોઈને વર્ષો સુધી તેનું શોષણ થયું હોવાની વાત કરતાં સાંભળું છું ત્યારે મારા મનમાં સવાલ ઊભો થાય છે કે તે વ્યક્તિએ આટલાં વર્ષો સુધી કોઈ પગલું ન લીધું કારણ કે તે પણ સરળ રસ્તો શોધી રહી હતી અને જ્યારે પરિસ્થિતિ તેની અપેક્ષા મુજબ ન રહી ત્યારે એને શોષણનું નામ આપી દેવામાં આવ્યું.’