ભૂલથી થયેલી બેવફાઈ લગ્નમાં ડીલ-બ્રેકર નથી હોતી

01 July, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ કપૂરે લૉક-અપની બીજી સીઝનમાં લગ્નમાં ચીટિંગ જેવા મુદ્દા પર વ્યક્ત કરેલા વિચારો વિવાદાસ્પદ બન્યા છે

રામ કપૂર

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલા રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝન હાલમાં જોરદાર ચર્ચામાં છે. શોમાં સ્પર્ધકો વચ્ચે સતત વિવાદાસ્પદ ચર્ચાઓ જોવા મળી રહી છે. શોમાં હાલમાં રામ કપૂર અને આકાંક્ષા ચમોલા વચ્ચે લગ્ન, વિશ્વાસ અને બેવફાઈના મુદ્દે જોરદાર વાદ-વિવાદ થયો હતો. રામ કપૂરે કહ્યું હતું કે જો ભૂલથી બેવફાઈ થઈ જાય અને દંપતી પોતાના સંબંધને વધુ એક તક આપવા ઇચ્છતું હોય તો માત્ર એના કારણે સંબંધ તોડી ન નાખવો જોઈએ.

શોમાં લગ્ન અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં રામ કપૂરે કહ્યું હતું કે ‘જો તમે ખરેખર તમારા જીવનસાથીને પ્રેમ કરતા હો તો કોઈ પણ વાત સંબંધ તોડવાનું કારણ બની શકતી નથી. લગ્ન મુશ્કેલ હોય છે અને એ એક સફર જેવી બાબત છે. લગ્નને સફળ બનાવવા માટે દરરોજ પ્રયત્ન કરવો પડે છે. એમાં ઉતાર-ચડાવ આવે છે, સારો અને ખરાબ સમય આવે છે તેમ જ મજબૂત અને નબળી ક્ષણો આવે છે. જો ખરાબ સમય દરમ્યાન ભૂલથી બેવફાઈ થઈ જાય અને તમે તમારા જીવનસાથી અથવા બાળકો વગર રહી ન શકો તો સમય જતાં બધું ઠીક થઈ જાય છે અને એવી કોઈ બાબત રહેતી નથી જેના કારણે સંબંધ તોડી નાખવો પડે. સમય દરેક ઘા ભરી દે છે. કોઈ પણ વાત ડીલ-બ્રેકર હોતી નથી. ક્યારેક આવી બાબતો ભૂલથી પણ થઈ જાય છે.’

આકાંક્ષા ચમોલાએ વ્યક્ત કરી અસહમતી

‘લૉક-અપ’માં રામ કપૂરની સહસ્પર્ધક આકાંક્ષા ચમોલાએ લગ્નમાં બેવફાઈ વિશેના રામ કપૂરના અભિગમ સાથે અસહમતી વ્યક્ત કરતાં કહ્યું કે બેવફાઈને ક્યારેય ‘ભૂલ’ કહી શકાય નહીં. આકાંક્ષાએ આગળ કહ્યું હતું કે ‘આ કોઈ ભૂલ નથી. જ્યારે તમે કોઈની સાથે શારીરિક રીતે નજીક આવો છો ત્યારે એ એક સંપૂર્ણ પ્રક્રિયા હોય છે. તમારે સામેવાળાનાં કપડાં ઉતારવાં પડે છે, પોતાનાં કપડાં ઉતારવાં પડે છે અને પછી આ બધું થાય છે. તમે એવું કહી શકતા નથી કે આ ભૂલથી થઈ ગયું. આ એવું નથી કે મેં ભૂલથી છરી હાથમાં લીધી અને કોઈને મારી દીધી.’
રામ કપૂર અને આકાંક્ષા ચમોલા વચ્ચે બેવફાઈ વિશે થયેલી આ ચર્ચા બાદ સોશ્યલ મીડિયા પર પણ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકોએ આકાંક્ષાની વાતને સમર્થન આપ્યું છે.

ram kapoor netflix entertainment news bollywood buzz bollywood news bollywood sex and relationships indian television television news