01 July, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’
એકતા કપૂરના લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનના પ્રીમિયરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે જુલાઈના પહેલા અઠવાડિયામાં આ શો ટેલિકાસ્ટ થશે અને ૧૫૦ એપિસોડ જોવા મળશે. સાથે જ શોમાં ઍક્ટર જિતેન્દ્ર પણ હશે, પરંતુ હવે આ પ્લાનિંગમાં ટ્વિસ્ટ આવ્યો છે. શોમાં મિહિરનો રોલ કરનાર લીડ ઍક્ટર અમર ઉપાધ્યાયે જણાવ્યું છે કે બીજી સીઝનના રીબૂટમાં વિલંબ થઈ શકે છે, કારણ કે એકતા કપૂર સેટમાં કેટલાક ફેરફાર કરવા માગે છે.
અમર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘શોના સેટ પર ફરીથી કામ કરવું પડ્યું છે, કારણ કે સ્ક્રીન પર કલર-કૉમ્બિનેશન એટલું સારું નહોતું લાગતું જેટલું લાગવું જોઈએ. એકતાને ખબર છે કે તેને શું જોઈએ કારણ કે તે પર્ફેક્શનિસ્ટ છે. આ માત્ર એક શો નથી, પરંતુ એક વારસો છે અને તે શો માટે બધું જ શ્રેષ્ઠ ઇચ્છે છે.’ રિપોર્ટ પ્રમાણે શોની નવી સીઝનના પ્રીમિયર માટે ૩ જુલાઈ નક્કી કરવામાં આવી હતી, કારણ કે આ દિવસે શોની પચીસમી ઍનિવર્સરી છે. જોકે ફેરફારને કારણે હવે આ દિવસે એ રિલીઝ નહીં થાય.