17 May, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ટીવી-ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ હાલમાં તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર વિડિયો શૅર કરીને તેની સાથે જોડાયેલા એક સમાચારની સ્પષ્ટતા કરી છે. હાલમાં ઘણા ઑનલાઇન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રૂપાલીને ‘અનુપમા’ના સેટ પર કૂતરું કરડ્યું હતું. આ ખબર ફેલાતાં રૂપાલીને લોકોના તેની ખબર પૂછતા ફોન આવવા માંડ્યા હતા. આખરે રૂપાલીએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કરીને તેનાં પ્રિય ‘બાળકો’ (પેટ્સ) બતાવ્યાં હતાં અને કહ્યું હતું કે તે એમને અને વાંદરાઓને પોતાના હાથે ફૂડ ખવડાવે છે. આ વિડિયોમાં રૂપાલીએ જણાવ્યું હતું કે મને કૂતરું કરડ્યું હોવાની વાત તદ્દન ખોટી છે. રૂપાલીએ ખુલાસો કર્યો કે તેણે અગાઉ પોતાના વિશે લખાયેલી કોઈ પણ બાબત પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી, કારણ કે તે બેફિકર રહે છે અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરે છે. તેણે મીડિયાને વિનંતી કરી છે કે તેઓ મારા વિશે લખે તો પુષ્ટિ કરીને લખે, પરંતુ તેમનાં પ્રિય ‘બાળકો’ વિશે પુષ્ટિ વગર કાંઈ ન લખે.
રૂપાલી પાંચ વર્ષની ઉંમરથી જ શેરીઓમાં બેજુબાન પ્રાણીઓ માટે કામ કરી રહી છે. તેણે અત્યાર સુધી કોઈ જ અપ્રિય ઘટનાનો સામનો કરવો નથી પડ્યો અને એટલે તેણે આ ખોટા સમાચાર માટે દુઃખ વ્યક્ત કર્યું છે. રૂપાલીનો આ પ્રાણીપ્રેમ જોઈને તેના ફૅન્સે પણ તેના અભિગમની પ્રશંસા કરી છે.