28 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
રવિવારે ‘બિગ બૉસ 19’નું ગ્રૅન્ડ પ્રીમિયર યોજાયું હતું. આ દરમ્યાન તેણે એક સ્પર્ધક તાન્યા મિત્તલ સાથે પોતાની લવ લાઇફ વિશે વાત કરી. તાન્યાએ સલમાનને પૂછ્યું, ‘શું સાચો પ્રેમ હંમેશાં અધૂરો રહે છે?’ આના જવાબમાં સલમાને કહ્યું, ‘ન તો સાચો પ્રેમ થયો છે, ન તો કંઈ અધૂરું રહ્યું છે.’ આ જવાબ સાંભળીને તાન્યા અને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. સલમાને આગળ કહ્યું કે તેને પોતાના જીવનમાં સાચો પ્રેમ મળ્યો નથી, પરંતુ તેઓ આને અધૂરપ પણ નથી માનતો.
સલમાન ખાનની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. તે સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય અને કૅટરિના કૈફ જેવી ઍક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં રહ્યો છે પણ લગ્ન સુધી વાત પહોંચી નથી. સંગીતા અને સલમાનનાં લગ્નનાં કાર્ડ છપાઈ ગયાં હતાં પરંતુ અંતિમ સમયે લગ્ન રદ થઈ ગયાં. આ સંજોગોમાં સલમાનનું તેની લવ લાઇફ વિશેનું આ નિવેદન સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે.