16 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સના મકબૂલ
બિગ બૉસ OTT-3ની વિજેતા અને ટીવી-ઍક્ટ્રેસ સના મકબૂલ છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે. હવે માહિતી મળી રહી છે કે સના મકબૂલને લિવર સિરૉસિસ જેવી ગંભીર બીમારી થઈ છે. પોતાની પરિસ્થિતિ વિશે સનાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘તાજેતરમાં ખબર પડી કે મને લિવર સિરૉસિસ થયું છે. આ મુશ્કેલ સમયમાં પણ હું મજબૂત રહેવાનો પ્રયાસ કરી રહી છું. હું અને ડૉક્ટર્સ લિવર ટ્રાન્સપ્લાન્ટથી બચવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યાં છીએ. મારી ઇમ્યુનોથેરપી પણ શરૂ થઈ ગઈ છે. હું ફક્ત એ જ ઇચ્છું છું કે આ બીમારી ટ્રાન્સપ્લાન્ટ વગર ઠીક થઈ જાય. જોકે આ મારા માટે બિલકુલ સરળ નહીં હોય, પરંતુ હું આટલી સરળતાથી હાર નહીં માનું. આ બીમારી મને રાતોરાત નથી થઈ. હું ઘણા સમયથી આને સહન કરી રહી છું, પરંતુ હવે આ ખૂબ જ વધી ગયું છે જેના કારણે મારે મારાં કામો રોકવા પડ્યાં છે. આનાથી મારું દિલ થોડું તૂટી ગયું છે, કારણ કે મેં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. હું હાલમાં ધીમે-ધીમે ચાલી રહી છું, પરંતુ હું હજી પણ ચાલી રહી છું અને આજે આ બાબત સૌથી વધુ મહત્ત્વની છે.’