28 December, 2025 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભાંગી અત્રે
ટીવી-સીરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’થી લોકપ્રિય બનેલી ઍક્ટ્રેસ શુભાંગી અત્રેએ ૨૦૦૩માં ઇન્દોરમાં પિયૂષ પૂરે સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નનાં બે વર્ષ બાદ દીકરી આશીનો જન્મ થયો. જોકે સમય જતાં સંબંધોમાં તનાવ વધ્યો અને ૨૦૨૫માં તેમના ડિવૉર્સ ફાઇનલ થયા. જોકે દુર્ભાગ્યવશ ડિવૉર્સના ગણતરીના મહિનાઓમાં જ શુભાંગીના ભૂતપૂર્વ પતિનું અવસાન થયું. હવે શુભાંગીએ એક ઇન્ટરવ્યુમાં તેના ભવિષ્યના આયોજન વિશે વાત કરી છે.
એક ઇન્ટરવ્યુમાં શુભાંગીએ પોતાના અંગત જીવન વિશે વાત કરતા કહ્યું, ‘ડિવૉર્સનો નિર્ણય મેં માત્ર મારા માટે નહીં, મારી દીકરી માટે પણ લીધો હતો; કારણ કે કોઈ સંબંધમાં તમે જ્યારે પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરો છો ત્યારે એની માનસિક અસર બહુ ઊંડી થાય છે. એ સંબંધ મારી આંતરિક શાંતિને અસર કરવા લાગ્યો હતો. એક સમય એવો પણ આવ્યો જ્યારે મને કોઈને મળવાનું પણ મન નહોતું થતું અને તેથી હું ફક્ત કામ પર જ ધ્યાન આપતી હતી. ડિવૉર્સ દરમ્યાન પરિવાર, દીકરી, બહેનો અને મિત્રો મારી સાથે ઊભાં રહ્યાં.’
વાતચીત દરમ્યાન શુભાંગીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તે ફરી પ્રેમમાં પડવા માગે છે ત્યારે જવાબ આપતા શુભાંગીએ કહ્યું, ‘મને ખબર નથી, હાલ તો એવું કંઈ મનમાં નથી. હું આ મામલે બહુ વિચારતી નથી. મારી બહેનો મને કહે છે, પણ અત્યારે તો મારું પૂરું ધ્યાન આશી પર જ છે.’