18 June, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમર ઉપાધ્યાય, સ્મૃતિ ઈરાની
એકતા કપૂરના લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની સીક્વલ આવવાની છે, જેમાં આ સિરિયલનાં મૂળ કલાકારો સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય જોવા મળશે. તેમણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં ભજવેલા તુલસી અને મિહિરના રોલને બહુ લોકપ્રિયતા મળી હતી અને તેઓ ફરીથી આ જ રોલમાં જોવા મળશે. હાલમાં સ્મૃતિ અને અમરની મુલાકાત એકતા કપૂરના ઘરે એક ફંક્શનમાં થઈ હતી. અમર ઉપાધ્યાયે એક ઇન્ટરવ્યુમાં આ મુલાકાતની વિગતો શૅર કરી છે.
અમરે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘જ્યારે હું સ્મૃતિને એકતા કપૂરના ઘરે મળ્યો તો મને તો તે પહેલાં જેવી જ લાગી. તેણે મને મજાકમાં પૂછ્યું કે તું બુઢ્ઢો ક્યારે થશે? અને મેં કહ્યું કે હજી સમય છે. તે હંમેશાં જમીન સાથે જોડાયેલી રહી છે અને તેનામાં જરા પણ બદલાવ આવ્યો નથી. અમારી વચ્ચે કેમિસ્ટ્રી બિલકુલ એવી જ હતી જેવી પચીસ વર્ષ પહેલાં હતી.’
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ વર્ષ ૨૦૦૦માં સ્ટાર પ્લસ પર શરૂ થઈ હતી અને ૨૦૦૮ સુધી ચાલી હતી. હવે આની સીક્વલ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ સીક્વલનું ૨૦૨૫ની ૩ જુલાઈએ રાતે સાડાદસ વાગ્યે સ્ટાર પ્લસ પર પ્રીમિયર થવાનું છે. રસપ્રદ વાત એ છે કે આ શોનું મૂળ પ્રસારણ પણ ૨૦૦૦ની ૩ જુલાઈએ એટલે કે બરાબર પચીસ વર્ષ પહેલાં શરૂ થયું હતું. આ સીક્વલ લગભગ ૧૫૦ એપિસોડની હશે. મળતી માહિતી પ્રમાણે શોનાં નિર્માતા એકતા કપૂરના પિતા અને દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર આ સીક્વલના પ્રીમિયર એપિસોડમાં ખાસ કૅમિયો ભૂમિકામાં જોવા મળશે.