09 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર, સ્મૃતિ ઈરાની
ટીવી અને ફિલ્મોની દિગ્ગજ પ્રોડ્યુસર એકતા કપૂરની શનિવારે પચાસમી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે તેમના સૌથી સુપરહિટ શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ની તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીએ તેના માટે એક ખાસ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં સ્મૃતિ ઈરાનીએ એકતા કપૂરને જન્મદિવસની શુભકામનાઓ આપતાં એક તસવીર શૅર કરી છે. આ તસવીર સાથે સ્મૃતિએ કૅપ્શનમાં હૃદયસ્પર્શી અને વિસ્તૃત નોંધ લખી છે. પોતાની નોંધમાં સ્મૃતિએ જૂના દિવસોને યાદ કરતાં લખ્યું છે : ‘એ રાતે અમે જુહુની શાંત ગલીઓમાંથી સિદ્ધિવિનાયકની પવિત્ર સીડીઓ સુધી ચાલ્યા. ઉજવણી માટે નહીં, પરંતુ સમર્પણ માટે. જ્યારે હું એક સપનું જોઈ રહી હતી અને એની પાછળ દોડતી હતી ત્યારે એકતાએ પ્રાર્થના કરી હતી, પોતાના માટે નહીં પણ મારા માટે. જ્યારે એ સપનું સાકાર થયું અને દુનિયાએ તાળીઓ પાડી ત્યારે તેણે તાળીઓના ગડગડાટનો આનંદ માણવા ફોન ન કર્યો. તેણે મને યાદ અપાવ્યું કે આપણે બાપ્પાનો આભાર માનવો જોઈએ. તેની દુનિયામાં ગર્વ પહેલાં કૃતજ્ઞતા આવે છે. દુનિયા તેને દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતી મહિલા તરીકે ઓળખે છે, પરંતુ મેં તેની ખામોશીને પણ જાણી છે. એ સૉફ્ટનેસ જેને પોતાની તરફ ધ્યાન ખેંચવાની કોઈ જરૂર નથી. એ કાળજી, જેને કોઈ ક્રેડિટની જરૂર નથી. તે અનેક યાત્રાઓ પાછળનો સાઇલન્ટ પાવર છે. તે એવાં વચનો નિભાવે છે જેને બીજું કોઈ સાંભળતું નથી. આજે તે ૫૦ વર્ષની થઈ છે. તે હવે એક માઇલસ્ટોન બની ગઈ છે, જેના માટે ઘણા લોકો આનંદથી ઝૂમી ઊઠશે. પણ આ દિવસે હું એક પ્રાર્થના કરું છું કે શાંતિ તેને થાકેલી સાંજે શાલની જેમ લપેટી લે. તેને સફળતા મળે, એટલા માટે નહીં કે તે એની પાછળ દોડે છે, પરંતુ એટલા માટે કે તે પોતાની જાત ન્યોછાવર કરી દે છે.’
સ્મૃતિ ઈરાનીને એકતા કપૂરના ટીવી શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં તુલસીના પાત્રથી બહુ લોકપ્રિયતા મળી હતી. આ ટીવીનો સૌથી લાંબો સમય ચાલનારો શો હતો. હવે આ શો ફરીથી ટીવી પર કમબૅક કરી રહ્યો છે. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આમાં સ્મૃતિ ઈરાની ફરીથી તુલસીના પાત્રમાં જોવા મળશે.