12 July, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ટેલિવિઝનના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોને મનોરંજક વાર્તા અને સમાજને દર્શાવતી વાતોથી પ્રેરણા આપે છે. આ શોના દરેક પાત્રની પોતાની અલગ જ ઓળખ છે અને દરેક પ્રસંગે તે દર્શકોને કોઈક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. ગુરુ પૂર્ણિમા જેવા પાવન દિવસે પણ શોના પ્રિય પાત્ર ભીડે ભાઈએ દર્શકો માટે ખાસ સંદેશ આપ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં પણ વખાણાઈ રહ્યો છે.
ગુરુવારે ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે ભીડે ભાઈએ લોકોને મોબાઈલ અને આજના આધુનિક જીવન વિશે એક ખાસ સંદેશ આપ્યો છે. ભીડે ભાઈએ જણાવ્યું કે આજે, ગુરુ પૂર્ણિમાના દિવસે, હું પ્રથમ વખત પોતાના મોબાઈલને પગે લાગી રહ્યો છું. પહેલા સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા કે એવું કેમ? પણ પછી તેણે સમજાવ્યું કે આજના જમાનામાં સૌથી મોટો ગુરુ આપણો મોબાઈલ બની ગયો છે. આપણે મોબાઈલની સ્ક્રીન પર જે જોઈએ તે આપણે સાચું માની લઈએ છીએ અને આંખ મુકી તેના પર વિશ્વાસ કરી લઈએ છીએ.
પણ વીડિયોમાં આગળ સ્પષ્ટતા કરતા ભીડે ભાઈએ કહ્યું કે આપણો ગુરુ ક્યારેય મોબાઈલ નહીં હોઈ શકે કારણ કે મોબાઈલ આપણને માત્ર માહિતી આપે છે, પરંતુ સાચા અર્થમાં આપણને જીવન જીવવાનો માર્ગ બતાવતા છે આપણાં માતા-પિતા, શિક્ષકો અને વડીલો.
ભીડે ભાઈએ પોતાની સરળ ભાષામાં લોકોને સમજાવ્યું કે આજે ભલે આપણે જાણકારી માટે મોબાઈલનો ઉપયોગ કરીએ, પરંતુ તેમાં બતાવવામાં આવતી દરેક વાત સાચી હોય એવું માનવું અને અંધવિશ્વાસ કરવો યોગ્ય નથી. મોબાઈલનો ઉપયોગ જરૂર કરો, પરંતુ માત્ર કામ પૂરતો જ કરો અને સાચા માર્ગદર્શન માટે હંમેશા પોતાના જીવનના ગુરુઓ પર વિશ્વાસ રાખો.
અંતમાં ભીડે ભાઈએ પોતાના ખાસ અને અનોખા અંદાજમાં દર્શકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી. તેમણે પોતાના સંદેશમાં એમ પણ ઉમેર્યું કે જીવનમાં જે લોકો આપણને સાચા અને ખરા અર્થમાં જીવન જીવવાનો માર્ગ બતાવે છે, આપણને સાચું-ખોટું સમજાવે છે અને દરેક મુશ્કેલીમાં આપણા હાથ પકડે છે, તે આપણા માટે સાચા ગુરુ છે. આવા ગુરુના પ્રત્યે હંમેશા કૃતજ્ઞતા રાખવી જોઈએ અને તેમના શીખવેલા માર્ગદર્શન પર ચાલવાનું છે એ જ જીવનની સાચી ભક્તિ ગણાય છે. ભીડે ભાઈએ જણાવ્યું કે મોબાઈલ તો માત્ર ટેકનોલોજી છે, પરંતુ આપણા જીવનના સચ્ચા માર્ગદર્શકો માટે ક્યારેય ઋણમુક્ત થાઈ શકાય નહીં. એના માર્ગદર્શન અને આશીર્વાદ આપણને જીવનભર સાચા માર્ગ પર રાખે છે અને સફળ બનાવે છે. તેથી આજના પાવન દિવસે તેમને યાદ કરી તેમનો આભાર માનવો અને તેમની વાતોને જીવનમાં ઉતારવી એ જ ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ છે.