11 October, 2025 05:47 PM IST | Mumbai | Jigisha Jain
તુલિકા પટેલ મમ્મી-પપ્પા સાથે, તુલિકા પટેલ પતિ સૌરભ ઠક્કર સાથે.
પુષ્પા ઇમ્પૉસિબલમાં સુશીલાના કિરદાર માટે જાણીતાં બનેલાં ૪૩ વર્ષનાં તુલિકા પટેલે ફક્ત ૨૦ વર્ષની ઉંમરે ઍક્ટિંગના ઝનૂનને સાર્થક કરવા મુંબઈ તરફ ડગ માંડ્યાં અને સંઘર્ષો વચ્ચે ટકી રહીને સપનાં સાકાર પણ કર્યાં. અહીં આવ્યા પછી મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરનારાં તુલિકા પટેલ અત્યારે શૂટિંગને કારણે મીરા રોડમાં અને પતિ ઘાટકોપરમાં રહે છે. એક જ શહેરમાં હોવા છતાં લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને પણ આ કપલ ભરપૂર માણી રહ્યું છે
૨૦૦૩ની આસપાસનો સમય. વડોદરાના પોતાના ઘરમાં ગ્રૅજ્યુએશન પતાવીને કરીઅર ઑપ્શન વિશેની ચર્ચા કરતી ૨૦ વર્ષની તુલિકા પટેલ તેનાં મમ્મી-પપ્પાને કહી રહી હતી કે તેને આગળ ભણવામાં રસ નથી. તે તો ફક્ત ઍક્ટિંગ જ કરવા માગે છે અને એ માટે મુંબઈ જવા માગે છે. તેનાં મમ્મી અને પપ્પા બન્ને પોતે થિયેટર ભણી ચૂકેલાં અને પપ્પાએ તો ફાઇન આર્ટ્સ પણ કરેલું, પણ બન્નેએ આ ફીલ્ડને કરીઅર તરીકે અપનાવ્યું નહોતું. મમ્મી SBIમાં મૅનેજર હતાં અને પપ્પાની એક ઍડ્વર્ટાઇઝિંગની ફર્મ હતી. એ પછી તો તે દુબઈ પણ કામ અર્થે ગયાં હતાં. મમ્મી-પપ્પા બન્ને સમજતાં હતાં કે ઍક્ટિંગ જેવા ફીલ્ડમાં કેટલી સ્ટ્રગલ છે. તે જાણતાં હતાં કે આજે તમારી પાસે કામ હોય અને કાલે ન પણ હોય, આજે તમને લોકો અઢળક પ્રેમ આપે અને કાલે ભૂલી પણ જાય. કોઈ માતા-પિતા ઇચ્છતાં નથી હોતાં કે તેનું બાળક આ બધામાંથી પસાર થાય. એટલે જ તુલિકાને નાનપણથી ભણવાનું તો છે જ એ વાત બરાબર મગજમાં બેસાડેલી. એટલે જ તુલિકાએ સાઇકોલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું. પપ્પા ઇચ્છતા હતા કે તુલિકા અબ્રૉડ જઈને માસ્ટર્સ કરે અને સાઇકોલૉજિસ્ટ તરીકે કામ શરૂ કરે પણ તુલિકાને અબ્રૉડ જવામાં રસ નહોતો, ભણવામાં રસ નહોતો. તેને ઍક્ટિંગ જ કરવી હતી. એક પટેલ પરિવારની દીકરીને પહેલેથી પૂરી આઝાદી સાથે ઉછેરવામાં આવી હતી. ઊલટું તેના પપ્પાનું માનવું હતું કે બાળક કેમ મમ્મીને જ તુંકારે બોલાવે? કારણ કે મમ્મી તેના મનની નજીક હોય એટલે. તેમણે તુલિકાને કહ્યું હતું કે તું મને તુંકારે જ બોલાવ અને એટલે જ નાનપણથી તુલિકા તેમના પિતાને તુંકારે બોલાવતાં હતાં.
બાપ-દીકરીનું બૉન્ડિંગ ઘણું અલગ હતું. તુલિકાને એક બાપ તરીકે તે પ્રોટેક્ટ કરવા માગતા હતા. તેમણે કહ્યું કે જો તને ઍક્ટિંગ કરવી હોય તો પૂરી છૂટ છે પણ હું તને એક પૈસાની મદદ નહીં કરું, તારે તારી રીતે આગળ વધવું પડશે. જે પિતા દીકરીનું અબ્રૉડ ભણતર સ્પૉન્સર કરવા તૈયાર હતા તેમણે ઍક્ટિંગ માટે કોઈ પણ પ્રકારની મદદ ન કરવાનું ફરમાન જાહેર કરી દીધું. એ વાતને યાદ કરતાં તુલિકા કહે છે, ‘હું નાની હતી ત્યારે જો અમને ઘરમાં મમ્મી કહે કે પાણીનો ગ્લાસ કેમ મૂક્યો નથી તો હું મારા ઘરની કામવાળી પર બગડતી કે તારે લીધે મમ્મી મને ખિજાય છે. હું એટલી બગડેલી હતી. એટલે મમ્મી-પપ્પા બન્નેને લાગતું હતું કે આ મુંબઈ જશે તો પણ એક અઠવાડિયામાં પાછી આવી જશે એટલે તેઓ બન્ને નિશ્ચિંત હતાં. હું મુંબઈ આવી. તરત જ ગુજરાન ચલાવવા માટે બે દિવસની અંદર મેં એક કૉલ સેન્ટરમાં આપબળે જૉબ મેળવી, PG શોધ્યું અને નાટકોનાં કામમાં પરોવાઈ ગઈ.
મમ્મી-પપ્પાએ ધાર્યું નહોતું કે હું આ કરી શકીશ. પણ મેં કર્યું એ વાતે તેઓ ખૂબ ખુશ હતાં. આજે જ્યારે પાછું વાળીને જોઉં છું તો લાગે છે કે સારું થયું મારાં માતા-પિતાએ મને સપોર્ટ ન કર્યો. એને કારણે હું જાતે કામ કરતાં અને જવાબદારી લેતી થઈ. શરૂઆતના દિવસોમાં ફક્ત બે-ત્રણ કલાક સૂઈને મેં કામ કર્યું છે. ઘણા ધક્કા ખાધા, ખૂબ મહેનત કરી અને ઘણું કામ કર્યું. હું કહી શકું કે મારું સંપૂર્ણ ઘડતર મુંબઈએ કર્યું છે.’
આમ થઈ શરૂઆત
વડોદરામાં જન્મેલાં અને ઊછરેલાં તુલિકા પટેલને સ્કૂલના મોટા પ્રશ્ન-જવાબ યાદ નહોતા રહેતા પણ સ્ટેજ પર જો કોઈ મોનોલૉગ ઍક્ટ કરવાનું કહે તો આખેઆખાં બે પાનાં કડકડાટ તે બોલી જતાં. નાટકોમાં પહેલેથી રસ હતો એટલે સ્કૂલ-કૉલેજના વેકેશનમાં તેઓ નાટકો કરતાં. નાની ઉંમરથી બરોડાથી વેકેશનમાં મુંબઈ આવીને તેઓ નાટકો કરતા જ હતા. ‘આ વેવાઈનું કંઈ કહેવાય નહીં’ એ તેમના જીવનનું પહેલું નાટક હતું જે તેમણે રસિક દવે સાથે કરેલું. મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ જ્યારે તેઓ મુંબઈ આવ્યાં ત્યારે હોમી વાડિયા સાથે ‘દીકરીનો બાપ.કૉમ’ નાટક લઈને તેઓ એક મહિનાની અંદર US ટૂર પર જવાનાં હતાં. આ સિવાય એ સમયે શેક્સપિયર સોસાયટીમાં સામેલ થઈને આજના પ્રખ્યાત સ્ક્રીન-રાઇટર અને ફિલ્મ ડિરેક્ટર અભિજાત જોશીના એ સમયના એક પ્લે ‘અ શાફ્ટ ઑફ સનલાઇટ’માં પણ તેમણે કામ કર્યું. એ વિશે વાત કરતાં તુલિકા પટેલ કહે છે, ‘જ્યારે ગ્રૅજ્યુએશન પત્યું ત્યારે એ સમયે ‘ઍલ્કેમિસ્ટ’ નામની બુક વાંચતી હતી. એના પ્રભાવમાં ખુદની તકદીર બનાવવા માટે હું મુંબઈ આવેલી. ગુજરાતી સિરિયલો, નાટકો, હિન્દી સિરિયલો, ડબિંગ, મૉડલિંગ જે કામ મળે એ બધાં કર્યા. કશી સમજ નહોતી કે કયા પ્રકારનું કામ કરવું જોઈએ. ચૉઇસ નહોતી, જે મળ્યું એ કર્યું. નાનો રોલ હોય કે મોટો, પણ મેં નિભાવ્યો. કોઈ ઑડિશન પાસ કરીને મને કૉમેડી સર્કસ કરવા મળ્યું. મેં નહોતું વિચાર્યું કે હું કૉમેડી જ કરીશ પણ આપોઆપ નિમિત્ત બનતાં ગયાં અને કામ થતું ગયું.’
કરીઅર પર નજર
‘છૂટ્ટાછેડા’, ‘સમી સાંજનાં શમણાં’, ‘સેન્સેક્સ’, ‘સરકી જાયે પલ’ જેવી ગુજરાતી સિરિયલો, ‘કૉમેડી સર્કસ-દેખ ભાઈ દેખ સિરીઝ’, ‘પાપડ પોળ’, ‘ચન્દ્રકાંતા ચિપલુણકર’, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’, ‘બકુલા બુઆ કા ભૂત’, ‘જનની’, ‘ખિચડી સીઝન ૩’, ‘અનુપમા’ જેવી હિન્દી સિરિયલોમાં તેમણે કામ કર્યું છે. હાલમાં ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં સુશીલાના રોલ સાથે તેમને ખાસ્સી પ્રસિદ્ધિ મળી છે. આ સિવાય તેમણે ‘અનટચેબલ્સ’ અને ‘કૌન’ નામની વેબ-સિરીઝ પણ કરી છે. દિનકર જાનીનું નાટક ‘ડાયલ રૉન્ગ નંબર’ અને વિપુલ મહેતાનું નાટક ‘પિક્ચર હજી બાકી છે’ પણ તેમણે કર્યાં છે. રોહિણી હટંગડી સાથે ‘બા તને હું ક્યાં રાખું’ નાટક પણ તેમણે કર્યું.
લગ્ન નહોતાં કરવાં પણ...
વિપુલ મહેતાનું નાટક ‘પિક્ચર હજુ બાકી છે’ના પ્રોડ્યુસર સંજય ગોરડિયા હતા જેમના પ્રોડક્શનમાં એ સમયે એક સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર હતા જેમનું નામ સૌરભ ઠક્કર. તેમણે તુલિકાને પહેલી વાર આ પ્લેમાં જોઈ અને નક્કી કરી લીધું કે આ છોકરી સાથે પરણવું છે. આ વિશે વાત કરતાં તુલિકા કહે છે, ‘અમે મળ્યાં, બન્ને ક્રીએટિવ હતાં, એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં. બધું સરસ હતું, પણ લગ્ન? મને તો લગ્ન કરવાં જ નહોતાં. પટેલની છોકરીના ઘરે તો ૧૮-૨૦ વર્ષે માગાં આવવા લાગે, પરંતુ હું માંગલિક હતી એટલે મારાં લગ્ન ૨૮-૩૦ વર્ષ પહેલાં ચર્ચાવાનાં પણ નહોતાં એ નક્કી હતું. મારા માટે એ બેસ્ટ હતું કારણ કે મને કામ કરવું હતું. એક વર્ષ મેં ટાળ્યું. અંતે લાગ્યું કે સૌરભની ઇચ્છા મારી ઇચ્છા બનતી જાય છે અને હવે લગ્ન કરી લેવાં જોઈએ એટલે મેં તેને વડોદરા ઘરે મમ્મી-પપ્પાને મળવા આવવાનું કહ્યું.’
સૌરભ ઠક્કર જ્યારે પહેલી વાર તુલિકાનાં મમ્મી-પપ્પાને મળ્યા ત્યારે સામાન્ય ઘરોમાં થાય એવું ન થયું. આ કિસ્સો યાદ કરતાં તુલિકા કહે છે, ‘મારા પપ્પાએ સૌરભને પૂછ્યું કે તમે કેટલી વાર ઝઘડ્યાં? ત્યારે સૌરભે કહ્યું કે અમારી વચ્ચે તો ઝઘડા થતા જ નથી. ત્યારે પપ્પાએ કીધું અરે યાર, આ તો તમારો ગોલ્ડન પિરિયડ ચાલે છે. આમાં ન પરણાય. શરૂઆતમાં બધું સારું લાગે, પછી ઝઘડાઓ થાય, પછી સુમેળ પાછો સધાય ત્યારે નક્કી કરી શકાય કે તમારે બન્નેએ પરણવું જોઈએ કે નહીં. ત્યારે મને રિયલાઇઝ થયું કે મારા પપ્પા કેટલા જુદા છે. એ સમયે હું સૌરભ કરતાં વધુ કમાતી હતી તો તેમણે એ મુદ્દો પણ ચર્ચ્યો હતો કે કોઈ ઈગો પ્રૉબ્લેમ તો નથીને તમારા બન્નેમાં? પરંતુ અમે બન્ને આ બાબતે ક્લિયર હતાં. પૈસો અમારા પ્રેમ વચ્ચે ક્યારેય નહોતો આવવાનો. ૨૦૧૫માં અમે પરણી ગયાં.’
સંબંધ વધુ મજબૂત
લગ્ન પછી બે વર્ષ તેઓ ઘાટકોપરમાં જૉઇન્ટ ફૅમિલીમાં રહ્યાં. એ પછી એક સારો શો તુલિકાને મળ્યો જેના માટે મીરા રોડ દરરોજ શૂટ પર જવાનું થશે એટલે બોરીવલી શિફ્ટ થાય તો સારું પડે એમ વિચારી તુલિકાએ બધી સેવિંગ્સ એક નવું ઘર વસાવવામાં ખર્ચી નાખી અને એ શો ચાર જ દિવસમાં બંધ થઈ ગયો. એ વિશે વાત કરતાં તુલિકા કહે છે, ‘નવું વૉશિંગ મશીન અને ફ્રિજના તો હજી પૈસા જ ભર્યા હતા, ડિલિવરી પણ નહોતી આવી અને ખબર પડી કે હાથમાં કામ જ નથી. મારી હાલત ખરાબ થઈ ગયેલી. એ સમયે સૌરભે કહ્યું કે તું ચિંતા ન કર, થઈ જશે. એ સમયે એ ઘરના ભાડા કરતાં ૪-૫ હજાર જેટલો તેનો પગાર વધુ હતો. પણ એ તકલીફમાં તેણે અડીખમ રહીને સાથ આપ્યો. એ પછી લગભગ દોઢ વર્ષ મને કામ ન મળ્યું. ખૂબ ખરાબ સમય હતો એ અમારો, પણ એ ખરાબ સમયે અમારો સંબંધ વધુ મજબૂત કર્યો.’
મુંબઈની મજબૂરી
મુંબઈમાં અમુક કપલ્સ એવાં છે જે કામને કારણે એકબીજા સાથે રહી નથી શકતાં. તુલિકા અને સૌરભનું પણ એવું જ છે. આજથી સાડાત્રણ વર્ષ પહેલાં તુલિકાને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ નામની સિરિયલ મળી, જેનો સેટ મીરા રોડમાં બનાવવામાં આવ્યો હતો. મહિનાભરમાં તુલિકાને સમજાઈ ગયું હતું કે આ શો તો લાંબો ચાલશે. એ સમયે તેઓ ફરી ઘાટકોપર શિફ્ટ થઈ ગયેલાં. સૌરભે તેમના પિતાનો બિઝનેસ જૉઇન કરી લીધેલો. ત્યાંની જવાબદારીઓ એવી હતી કે તેમણે ઘાટકોપર છોડાય એમ નહોતું. તુલિકાને ૧૨ કલાકની શિફ્ટ હોય અને એ માટે સેટની નજીક રહે તો જ સમય બચે એમ હતો. એટલે બન્નેએ નક્કી કર્યું અને તુલિકાએ તેના સેટની બાજુમાં એક ઘર રેન્ટ પર લીધું. છેલ્લાં ત્રણ-સાડાત્રણ વર્ષથી સૌરભ તેનાં માતા-પિતા સાથે ઘાટકોપર રહે છે અને તુલિકા મીરા રોડ. એ વિશે વાત કરતાં તુલિકા કહે છે, ‘અમને તો એમાં પણ મજા આવે છે. એકબીજાને મળવાના મોકા શોધતાં હોઈએ અમે. થોડું ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ જેવું લાગે. છતે લગ્ને અને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છીએ. કામ કરવું હોય તો એ કરવું પડે. મારી સાથે બ્લિસ નામની એક ડૉગી મેં રાખી છે જેથી કોઈ ઘરમાં છે એવું લાગે.’
સૌથી ખરાબ સમય
એક વાર તુલિકા જિમમાં પડી ગયાં ત્યારે તેમને પગમાં ફ્રૅક્ચર આવેલું અને એ પત્યું એ પછી ફરી હાથ ભાંગ્યો. આ એક વર્ષનો એવો સમયગાળો હતો જ્યારે તેમની પાસે તેમના જીવનના બેસ્ટ પ્રોજેક્ટ આવેલા. એ વિશે વાત કરતાં તુલિકા પટેલ કહે છે, ‘નેટફ્લિક્સની એક સિરીઝ ‘મુંબઈ બેગમ્સ’ મને ઑફર થયેલી અને યશરાજ ફિલ્મ્સની ‘જયેશભાઈ જોરદાર’ પણ મને ઑફર થયેલી. આ બન્ને વખતે પગ અને હાથ ભાંગેલા હોવાને કારણે હું એ ન કરી શકી. આટલી હેલ્પલેસ મેં ખુદને ક્યારેય નથી અનુભવી. આ જ સમયમાં મને ‘અનુપમા’ સિરિયલનો પણ એક મહત્ત્વનો રોલ મળી રહ્યો હતો. જ્યારે તમારી હાલત ખરાબ હોય ત્યારે જ બેસ્ટ તક તમને મળે તો લાગે કે ખરેખર કુદરત મજાક કરી રહી છે મારી સાથે. જોકે ‘અનુપમા’માં ફરી કામ કરવાનો મોકો મને મળ્યો પણ કદાચ એ એક-દોઢ વર્ષનો ગાળો મારા જીવનનો સૌથી ખરાબ સમય હું કહી શકું જેમાં હાથમાં આવેલો લાડુ હું ખાઈ ન શકી.’