22 October, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીતા કંવલ
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી લોકપ્રિય સિરિયલો અને ‘મુઝસે દોસ્તી કરોગે’ જેવી ફિલ્મોમાં જોવા મળેલાં સિનિયર ઍક્ટ્રેસ અનીતા કંવલની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તેમનું કહેવું છે કે તેમની પાસે બચેલા પૈસા પણ ટૂંક સમયમાં પૂરા થઈ જવાના છે.
હાલમાં જાહેરમાં પોતાની વ્યથા વ્યક્ત કરતાં અનિતા કંવલે કહ્યું હતું કે ‘મારે કમાવાની જરૂર છે. બની શકે કે હું હજી ૧૦ વર્ષ જીવું અથવા ૨૦ વર્ષ જીવું, તો એવા સંજોગોમાં હું શું કરીશ? હું એક સુંદર ઘરમાં રહું છું, જેની કિંમતનો કેટલોક હિસ્સો મારાં માતા-પિતાએ ચૂકવ્યો હતો અને બાકીની રકમ મેં લોન લઈને ચૂકવી હતી. આ મારી એકમાત્ર સંપત્તિ છે. મારી પાસે થોડી મૂડી બચી છે, પણ મને ખબર છે કે એક વર્ષની અંદર એ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આ જ કારણ છે કે મારે કામની ખૂબ જ જરૂર છે. મારી પાસે હવે ઘણા ઓછા પૈસા બચ્યા છે. વધતી મોંઘવારીને કારણે ઘરખર્ચ ચલાવવાનું અને પોતાના ઘરે કામ કરતા લોકોને સાચવવાનું મુશ્કેલ બની રહ્યું છે. હું ક્યારેય એવા તબક્કે પહોંચવા માગતી નથી જ્યાં મારે પોતાનાં બાળકો પર નિર્ભર રહેવું પડે અથવા તેમની પાસે કોઈ વસ્તુ માટે પૈસા માગવા પડે. હું હંમેશાંની જેમ તેમને વસ્તુઓ આપતી રહેવા ઇચ્છું છું.’
પોતાની કરીઅર અને હાલ મળી રહેલી કામની તકો વિશે વાત કરતાં અનીતાએ દુઃખ વ્યક્ત કર્યું કે ‘આજની યુવા પેઢી અને મનોરંજનજગતમાં નવા આવેલા લોકો મારા અગાઉના કામથી પરિચિત નથી. ઘણી વાર મને એવી ભૂમિકાઓની ઑફર કરવામાં આવે છે જે મારા કરતાં ઘણી નાની ઉંમરની મહિલાઓ માટે હોય છે. જોકે મને કામ મેળવવાની ઉતાવળ નથી, પણ હું ઇચ્છું છે કે નિર્માતાઓ અને દર્શકો મારા અનુભવ તથા પ્રતિભાનું સન્માન કરે.’