23 August, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિયા માણેકે તેના ૩૪ વર્ષના બૉયફ્રેન્ડ વરુણ જૈન સાથે ભૂત શુદ્ધિ વિવાહ
‘સાથ નિભાના સાથિયા’માં ગોપીવહુ તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર જિયા માણેકે તેના બૉયફ્રેન્ડ વરુણ જૈન સાથે બુધવારે લગ્ન કર્યાં હતાં. એમાં બન્નેના નજીકના મિત્રો અને પરિવારે હાજરી આપી હતી. વરુણ જૈન પણ ટીવી-ઍક્ટર છે. જિયાએ સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરીને આ સમાચાર આપ્યા છે. જિયા માણેકે આ પોસ્ટમાં લખ્યું છે કે ‘ઈશ્વર અને ગુરુની કૃપા અને તમારા સૌના પ્રેમથી અમે હંમેશ માટે એક થયાં છીએ - હાથમાં હાથ અને દિલથી દિલ સુધી. અમે બે મિત્રો હતાં, આજે પતિ-પત્ની છીએ. આ દિવસને આટલો ખાસ બનાવનાર તમામ પ્રિયજનોના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે ખૂબ આભારી છું. પતિ અને પત્ની તરીકે હાસ્ય, રોમાંચ, યાદો અને સાથથી ભરેલા જીવન માટે ચિયર્સ. - જિયા અને વરુણ’
નવદંપતીએ પતિ-પત્ની તરીકે પોતાની પ્રથમ તસવીરો માટે પોઝ આપ્યો હતો. ૩૯ વર્ષની જિયા પરંપરાગત ઘરેણાંથી શણગારેલી સોનેરી સાઉથ ઇન્ડિયન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે ૩૪ વર્ષના વરુણે પીળા રંગનો કુરતો પહેર્યો હતો. જિયાએ વરુણ સાથે ભૂત શુદ્ધિ વિવાહ કર્યા છે.
ભૂત શુદ્ધિ વિવાહ શું છે?
ભૂત શુદ્ધિ વિવાહ એ યોગિક પદ્ધતિ પર આધારિત એક વિવાહ અનુષ્ઠાન છે જે સદ્ગુરુના આધ્યાત્મિક સંગઠન ઈશા ફાઉન્ડેશનનો કન્સેપ્ટ છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર ભૂત શુદ્ધિ એ માનવશરીરનાં પાંચ તત્ત્વો (પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ)નું શુદ્ધીકરણ છે. ભૂત શુદ્ધિ વિવાહ દંપતીને તાત્ત્વિક સ્તરે ગાઢ બંધન બનાવવાની તક આપે છે.