સ્ટ્રેસ-ફ્રી લાઇફનો મંત્ર શું છે રેહના પંડિતનો?

26 September, 2021 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહામારીને કારણે લાગેલા લૉકડાઉન દરમ્યાન લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કલાકારો કોઈ ને કોઈ પ્રકારે કાર્ય કરતા હતા. મહામારી અને લૉકડાઉને લોકોના જીવનમાં ઊથલપાથલ મચાવી દીધી છે

રેહના પંડિત

ઝીટીવી પર આવતા ફેમસ ‘કુમકુમ ભાગ્ય’ની રેહના પંડિતે લાઇફમાં તણાવમુક્ત કેમ રહેવું એનો મંત્ર આપ્યો છે. આ શોમાં તે આલિયાનું પાત્ર ભજવી રહી છે. આ સિરિયલમાં શબ્બીર અહલુવાલિયા, શ્રુતિ ઝા, પૂજા બૅનરજી, લીના જુમાની, ક્રિષ્ના કૌલ અને પ્રાચી પણ લીડ રોલમાં છે. મહામારીને કારણે લાગેલા લૉકડાઉન દરમ્યાન લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કલાકારો કોઈ ને કોઈ પ્રકારે કાર્ય કરતા હતા. મહામારી અને લૉકડાઉને લોકોના જીવનમાં ઊથલપાથલ મચાવી દીધી છે અને એને કારણે તેઓ તણાવભર્યું જીવન જીવી રહ્યા હતા. લોકોના રોજગાર અને સગાંસંબંધીઓ છીનવાઈ ગયાં છે. આ મહામારી લોકોને આજીવન યાદ રહેશે. એ વિશે રેહનાએ કહ્યું કે ‘આ મહામારીએ મને ઘણું બધું શીખવાડ્યું છે. મને એ જાણવા મળ્યું છે કે લોકોને આવા કપરા સમયમાં ટકી રહેવા માટે પૈસાની ખૂબ જરૂર છે. લોકોએ રોજગાર ગુમાવતાં અને આ સંકટમાંથી બહાર આવવાનો કોઈ માર્ગ ન જડતાં મેં તેમને તકલીફમાં જોયા હતા, એ જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. એક કલાકાર તરીકે હું જોઈ શકું છું કે આપણો સમાજ કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને દરેક માટે એ અઘરું છે. મને લાગે છે કે દરેક જણ અસલામતીની લાગણી અનુભવે છે. હું એમ ન કહી શકું કે મને કોઈ ચિંતા નથી. મને પણ મારા કામ, લાઇફ અને ભવિષ્યને લઈને અસલામતી લાગે છે. આ મહામારીમાં હું પણ અસુરક્ષિત અનુભવતી હતી. મારી લાઇફમાં જેકંઈ ઘટ્યું એના વિશે હું વિચારતી હતી. જોકે સાથે જ હું એ પણ સમજી ગઈ કે મારે આનો સામનો કઈ રીતે કરવાનો છે. જે થવાનું હશે એ થશે એવો અભિગમ મેં રાખ્યો અને હું આજે મારી લાઇફમાં ખુશ છું. કોઈ વસ્તુ ગુમાવવાનો મને ભય નથી. હું એક જ સિદ્ધાંતને માનું છું કે આપણે ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાના છીએ. ભગવાને આપણને જે ઉદ્દેશ સાથે મોકલ્યા છે એને પૂરું કરવાનું છે. જીવનના માર્ગ પર આપણે દિલની સાંભળીને આપણું લક્ષ સાધવાનું છે. કંઈ ખરું કે ખોટું નથી. લાઇફમાં જે સામે આવે છે એનો સ્વીકાર કરવો રહ્યો. આ જ મારી લાઇફનો મંત્ર છે અને દરેકે એનું અનુકરણ કરવું જોઈએ.’

entertainment news television news kumkum bhagya