શૈલેષ લોઢાની દીકરીનાં લગ્નમાં કેમ ખાસ મહેમાન બન્યો વિકી કૌશલ?

09 July, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન દરમ્યાન તે ઘરના સ્વજનની જેમ જાનનું સ્વાગત કરવામાં આગળ પડતો હતો

આ ભવ્ય લગ્નસમારોહમાં બૉલીવુડના અનેક જાણીતા ચહેરાઓ ઉપરાંત રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પણ હાજર રહ્યા હતા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી લોકપ્રિય બનેલા શૈલેષ લોઢાની દીકરી સ્વરા લોઢાનાં લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ભવ્ય ઉમેદ ભવન પૅલેસમાં ધામધૂમથી યોજાયાં હતાં. આ ભવ્ય લગ્નસમારોહમાં બૉલીવુડના અનેક જાણીતા ચહેરાઓ ઉપરાંત રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પણ હાજર રહ્યા હતા. જોકે સમગ્ર સમારોહ દરમ્યાન વિકી કૌશલની હાજરીએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

લગ્ન દરમ્યાન વિકી સતત શૈલેષ લોઢાની સાથે જોવા મળ્યો હતો. તે જાનનું સ્વાગત કરવામાં આગળ પડતો હતો. તેને શૈલેષ લોઢાનો સાફો સરખો કરતો, નવવધૂ સ્વરા સાથે તસવીરો પડાવતો અને તેને ગળે મળીને શુભેચ્છા આપતો પણ જોવામાં આવ્યો હતો. આ દૃશ્યો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ ફૅન્સના મનમાં વિકી અને શૈલેષ લોઢા વચ્ચેના સંબંધ વિશે સવાલ થવા લાગ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે વિકી અને શૈલેષ લોઢા વર્ષોથી એકબીજાના નજીકના મિત્રો છે. બન્ને વચ્ચે લાંબા સમયથી આત્મીય સંબંધ છે. મળતી માહિતી પ્રમાણે વિકીના પિતા અને જાણીતા ઍક્શન ડિરેક્ટર શામ કૌશલ કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા ત્યારે એ મુશ્કેલ સમયમાં શૈલેષ લોઢા સતત તેમના સંપર્કમાં રહીને કૌશલ પરિવારને માનસિક ટેકો આપતા રહ્યા હતા. આ સમયગાળા દરમ્યાન બન્ને પરિવારો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો અને આ કારણે જ વિકીએ શૈલેષ લોઢાની દીકરીનાં લગ્નમાં ઘરની વ્યક્તિની જેમ જ હાજરી આપી હતી.

television news indian television taarak mehta ka ooltah chashmah entertainment news