13 October, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી
એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ...સાસ ભી કભી બહુ થી 2’ પોતાની વાર્તાને કારણે સતત ચર્ચામાં રહી છે. ૨૦૨૫ની ૨૯ જુલાઈએ તુલસી અને મિહિરની જોડી ફરી એક વાર પડદા પર જોવા મળી હતી. હવે આ સિરિયલ ઑફ ઍર થવા જઈ રહી છે, પણ એ પહેલાં મુખ્ય લીડ ઍક્ટર અમર ઉપાધ્યાયે ત્રીજી સીઝન વિશે સંકેત આપ્યો છે.
આ સિરિયલના ભવિષ્ય વિશે વાત કરતાં અમર ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘સારી વસ્તુઓનો પણ એક સમયે અંત આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં સિરિયલને સમયગાળો લંબાવીને આગળ ચલાવવાની મંજૂરી મળી હતી, કારણ કે સિરિયલ ખૂબ સારું પ્રદર્શન કરી રહી હતી. જોકે ટીમ માનસિક રીતે તૈયાર હતી કે એક સમયે સિરિયલ બંધ કરવી પડશે. આ વખતે સિરિયલ લગભગ વીસ વર્ષ બાદ પાછી ફરી હતી, પણ કોણ જાણે કદાચ એની આગામી સીઝન બહુ વહેલી આવી જાય.’
અમર ઉપાધ્યાયના આ નિવેદનથી ચાહકોમાં ત્રીજી સીઝનને લઈને આશા જાગી છે. રિપોર્ટ પ્રમાણે ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’ દશેરાના દિવસે એટલે કે ૨૦ ઑક્ટોબરે ઑફ ઍર થશે. સિરિયલના અંતિમ એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. હવે અમર ઉપાધ્યાયે આપેલા સંકેત બાદ સિરિયલની ત્રીજી સીઝન વિશે સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે એના પર સૌની
નજર રહેશે.