આફત-એ-ઇશ્કઃ ઇન્દ્રજીત નટ્ટોજીની સિનેમા આર્ટના માસ્ટર ક્લાસ સમી ફિલ્મની બારીકીઓ ઘણું શીખવે તેમ છે

27 November, 2021 12:29 PM IST  |  Mumbai | Chirantana Bhatt

આ ફિલ્મના ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી, સેટ-અપ તથા અન્ય ડિઝાઇનિંગમાં કળાની હાજરી કેટલી હદે અને કેવી રીતે વર્તાય છે તેમાં મેજિક રિયાલિઝમ કેવી રીતે ઉમેરાયું છે તેની વાત કરવી અનિવાર્ય છે

આ ફિલ્મનું પૅકેજિંગ નોસ્ટાલજિયા અને ગ્રાફિક આર્ટનું તે પરફેક્ટ મિશ્રણ છે

તમારી સાથે નાનપણમાં એવું થયું છે ખરું કે તમે કોઇ એક કાલ્પનિક મિત્ર સાથે ગપ્પા માર્યા  કરતા હો. તમારી બધી વાત એને સમજાતી હોય એવું તમને પાકી ખબર હોય. કોઇ તમને પાગલ ગણે તો કોઇ અંધશ્રધ્ધાળુને એમ લાગે કે કદાચ વળગાડ હશે. પણ એવું પણ તો બની શકે કે તમે સાચ્ચે જ કોઇ ભૂત સાથે વાત કરતા હો અને એ સાચ્ચે જ તમારું દોસ્ત હોય?
ભૂત દોસ્ત હોય તો શું થઇ શકે? આ સવાલનો જવાબ જાણવો હોય તો તમારી ઝી5 પર સ્ટ્રીમ થઇ રહેલી ફિલ્મ આફત-એ-ઇશ્ક (Aafat-e-Ishq) જોવી પડે. ઇન્દ્રજીત નટ્ટોજીએ(Indrajit Nattoji)ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે નેહા શર્માએ (Neha Sharma) અને સાથે દીપક ડોબરિયાલ (Deepak Dobriyal),અમિત સિયાલ (Amit Siel),નમિત દાસ (Namit Das),ઇલા અરુણ (Ila Arun)જેવા મજબૂત કલાકારો છે. 


આ કોઇ 100 કરોડ અને 200 કરોડ વાળી ફિલ્મ નથી પણ ફિલ્મમાં કેટલીક બાબતો એવી છે જે તમે નોટિસ કરવાનું ચૂકી જાવ અને પછી તમે તમારી જાતને સિનેમાના ચાહક ગણાવતા હો તો ત્યાં માર્ક કાપી લેવા પડે. આ ફિલ્મ હોરર છે? કૉમેડી છે? કે કોઇ નવતર ઝોન્રમાં બની છે એવો સવાલ તમને થતો હોય તો એનો જવાબ છે આ મેજિક રિયાલિઝમ અને Noir - જેને આપણે નોયર કહીએ છીએ પણ સાચું ઉચ્ચારણ છે નુંઆ - મૂળે ક્રાઇમ જેમાં ડાર્ક ફ્લેવર્સ હોય - શૈલીના સ્ટોરી ટેલિંગનું મિશ્રણ.  લિઝા - ધી ફૉક્સ ફેરી નામની હંગેરિયન ફિલ્મનું આ ભારતીય વર્ઝન છે.  આ ફિલ્મના ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી, સેટ-અપ તથા અન્ય ડિઝાઇનિંગમાં કળાની હાજરી કેટલી હદે અને કેવી રીતે વર્તાય છે તેમાં મેજિક રિયાલિઝમ કેવી રીતે ઉમેરાયું છે તેની વાત કરવી અનિવાર્ય છે. સિનેમાની સ્ક્રીન પર આર્ટની હાજરી કેટલી અલગ અલગ રીતે હોઇ શકે છે તે જાણવાનો આ એક પ્રયાસ છે.

આ ફિલ્મની નાયિકા પુસ્તકોની દુનિયામાં જીવે છે. લલ્લો નામની આ રૂપકડી છોકરીને નાનપણમાં બુંધિયાળનો બિલ્લો મળ્યો છે, તે અનાથ છે અને એક વૃદ્ધાની કેર-ટેકર તરીકે કામ કરે છે. નાનપણમાં સાંભળેલા ટોણાને પગલે તે ઝડપથી લોકો સાથે લાગણીથી જોડાતી નથી પણ સ્વભાવિક છે તેને પણ ચાહ છે પ્રેમ મેળવવાની. મેજિક રિયાલિઝમની આ આખી ફિલ્મનો એક એવો તંતૂ છે જે પાત્રો અને વાર્તાને એક બીજા સાથે પરોવે છે. પુસ્તકો, મેગેઝિન્સ વગેરે વાંચતી લલ્લોની કલ્પનાને આપણે એનિમેશનમાં આકાર લેતા જોઇએ છીએ. તેનો એક દોસ્ત છે આત્મા - હા તે આત્મા તો છે જ પણ તેનું નામ પણ આત્મા છે જે લલ્લો સાથે ગપ્પા મારતો રહે છે. હવે અહીં આપણે એ વિચારવું રહ્યું કે આત્મા ખરેખર છે કે લલ્લો જે પુસ્તકોમાં ખોવાયેલી રહે છે તેણે પોતાની જાતને એકલી ન પડવા દેવા માટે આવી એક કલ્પના સાથે જીવવાનું નક્કી કર્યું છે? સંગીત પ્રેમી આત્મા, અન્ય મૃતકોને માટે મ્યુઝિક કોન્સર્ટ કરે, તે પણ શહેરની વચ્ચોવચ્ચે અને ત્યાં આત્માઓની વચ્ચેથી કોઇ સ્કૂટર સડસડાટ નિકળી જાય એ દ્રશ્ય સ્ક્રીન પર જોવાની મજા જ કંઇ ઓર છે.

જે હવેલીમાં લલ્લો રહે છે ત્યાં એક દિવાલ છે જ્યાં ફૂદાં એટલે કો મોથ્સનું કલેક્શન છે, જે ઇલા અરુણના પતિનો શોખ હતો. હિંદીમાં વાક્ય પ્રયોગ છે મોત મંડરાના અને આ જ વાતને ટ્વિસ્ટ કરીને ફિલ્મમાં એ રીતે લેવાઇ છે કે જ્યારે પણ કોઇ પાત્રનું મોત થવાનું હોય ત્યારે તેને માથે મોથ - એટલેકે પતંગિયા જેવું ફૂદું ઉડતું દેખાય. મરેલા ફૂદાં લગાડેલી દિવાલના ફૂદાંમાં જીવ પુરાય એ મેજિક રિયાલિઝમની કમાલ છે. 
દીપક ડોબરિયાલ જે એક અફલાતુન એક્ટર છે તે આ ફિલ્મમાં વિક્રમ નામના એક લોકલ ઇન્વેસ્ટિગેટરનું પાત્ર ભજવે છે. એલેઇન ડિલોનની ફિલ્મ લે સમોરાઇની યાદ અપાવતો ટ્રેન્ચ કોટ અને હેટ પહેરીને સંશોધન કરતા આ જુગાડી ડિટેક્ટિવમાં ભારતીયતાની યાદ આપવે છે તેનો ચટાપટા વાળો ચડ્ડો. સાદા ફોન પર હોટશોટ પ્રકારનો કેમેરા બાંધીનો ફોન કેમેરાની જેમ વાપરતો આ ડિટેક્ટિવ ઓછા બોલો છે. તેને કબુલવું નથી પણ તે પણ લલ્લોની માફક પ્રેમ શોધી રહ્યો છે, તેની એકલતા તેને કલ્પનાની દુનિયામાં નથી લઇ જતી પણ ભૂતકાળ વાગોળ્યા કરવું અથવા જુની ચીજો સાથે જોડાયેલા રહેવામાં તેને કમ્ફર્ટ મળે છે. 


કળાની વાત કરીએ તો સ્ટેશન પર મળતાં પુસ્તકો જેનાં નામ મોટે ભાગે તો કાતિલ જવાની અને જાદુઇ પંજા કે ખુની ઔરત પ્રકારનાં હોય છે તેના કવર પેજ પર જે શૈલીમાં ચિત્ર કરેલા હોય તેને લિથોગ્રાફિક આર્ટ કહે છે. લલ્લોની પહેલી ચોપડી ખ્વાબોં કી કશ્તી હોય કે પછી લાલ પરીની વાર્તા કહેતું પુસ્તક હોય - એ તમામની વાત આગવી રીતે ગ્રાફિક નોવેલની શૈલીમાં તમે સ્ક્રીન પર જોઇ શકો છો. ફિલ્મના ડાયરેક્ટર ઇન્દ્રજીત નટ્ટોજી પોતે એનાઇડીમાં ભણ્યા છે જેનો પ્રભાવ સ્ક્રીન પર દેખાતા અફલાતુન ગ્રાફિક્સમાં જણાઇ આવે છે. 


ઇન્દ્રજીત નટ્ટોજી ફિલ્મના સ્ક્રીપ્ટિંગમાં પણ ઇન્વોલ્વ હતા અને તેમણે વાર્તામાં મોતના કોન્સેપ્ટને ડાર્ક હ્યુમરમાં વણ્યું છે. એક છોકરી જેને જોઇએ છે પ્રેમ, તે પુસ્તકોના પાત્રો- સંજોગો સાથે જોડાય છે, મહિલાઓ માટે લખાતાં મેગેઝિન્સ વાંચીને પોતાનો વહેવાર બદલવા કોશિશ કરે છે. જે પુરુષમાં તેને જીવનસાથીની શક્યતા દેખાય છે તે બિચારો કોઇને કોઇ રીતે મોતને ભેટે છે. પલ્પ ફિક્શન નોવેલ સ્ક્રીન પર ચાલતી હોય તેવી રીતે અહીં સિનેમા આર્ટ જસ્ટિફાય થાય છે. પાત્રો જે ઓરડાઓમાં રહે છે, તેમની આસપાસનો જે માહોલ છે તેમાં દિવાલના રંગો, આર્ટિફેક્ટ્સ બધું જ તેમની સાથે મેળ ખાય તેવું છે. બે ચોટલા અને ચૂડીદાર કુર્તો પહેરીને ફરતી છોકરી મોડર્ન થવા માટે લાલ રંગનો સરસ મજાનો ડ્રેસ સીવે છે અને પછી છેક સુધી કપડાં નથી બદલતી. આ પ્રશ્ન જો તમને થાય તો તેનો જવાબ છે કે જાતમાં આવેલા પરિવર્તન સાથેનું તેનું ઓબ્સેશન. આછા રંગો પહેરતી છોકરી લાલ ચટક ડ્રેસ પહેરે છે અને જાતને લાલ પરી માની બેસે છે - જે એક પુસ્તકનું પાત્ર છે. પહેલાં જેની કોઇ નોંધ સુદ્ધાં નહોતું લેતું, તેને જોતાં જ લોકો તેના પ્રેમમાં પડે છે - હા જો કે પછી જીવતા નથી રહેતા. 


જે પિશાચ - આત્મા લલ્લોનો દોસ્ત છે તે જ બધાના મોતનું કારણ છે એવું ફિલ્મમાં દર્શાવાયું છે. પણ આ ગોલમાલ જેવી હૉરર કૉમેડી નથી. અહીં પિશાચ અસલામતી પર જીવતી નકારાત્મક લાગણીઓનું પ્રતીક છે. એક છોકરી જે જાતને અપશુકનિયાળ માનીને ઉછરી છે, તેને અસલામતી છે કે તેને કોઇ પ્રેમ નહીં કરે, કાગનું બેસવું અને ડાળનું પડવુંની રીતે મરતાં લોકો પોતાને લીધે મરે છે એમ માની બેસેલી લલ્લોને કોણ સમજાવે કે તેણે પોતાના કોચલામાંથી નીકળવાની જરૂર છે?  વિક્રમ જે પોતે તરછોડાયેલો હોવાને કારણે કોચલામાં છે તે જ તેને આ માન્યતાઓમાંથી બહાર આવવામાં મદદ કરે છે. 

ફિલ્મનાં થ્રી ડી, વીએફએક્સ, કલર પેટર્ન, પાત્રોનો પરિવેશ, વહેવાર બધું જ મેજિક રિયાલિઝમના થીમને અને માનસિક સ્વાસ્થ્યની સબ ટેક્સ્ટને ટેકો આપનારું છે. ઇન્દ્રજીત નટ્ટોજીએ આ પહેલાં ડિટેક્ટિવ બોમકેશ બક્ષી અને સંદીપ ઔર પિંકી ફરાર જેવી ફિલ્મો માટે ડિઝાઇનિંગને લગતું કામ કર્યું છે. આ ફિલ્મના એન્ડ ટાઇટલ્સ પણ કોઇ મિની ફિલ્મથી કમ નથી. આ ફિલ્મનું પૅકેજિંગ નોસ્ટાલજિયા અને ગ્રાફિક આર્ટનું તે પરફેક્ટ મિશ્રણ છે અને સિનેમા આર્ટમાં રસ લેનારાઓએ ફિલ્મના એન્ડ ટાઇટલ્સ પણ મિસ ન કરવા જોઇએ. 

bollywood news entertainment news zee5