એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની `ગાંધી`નું ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં થશે વર્લ્ડ પ્રીમિયર

10 August, 2025 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gandhi Series એ એક વિશાળ અને અનેક સીઝનવાળી કથા છે. આ સિરીઝ આપની સામે મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે

બહુ પ્રતિક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ `ગાંધી`

ભારતીય કથાઓ માટે આ એક વિશેષ અને ઐતિહાસિક ક્ષણ કહી શકાય. એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ પ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ `ગાંધી` (Gandhi Series)નો 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં સમાવેશ થવાનો છે. પ્રખ્યાત નિર્દેશક હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત અને અભિનેતા પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકાવાળી આ સિરીઝને TIFFના `પ્રાઇમટાઇમ પ્રોગ્રામ`માં સામેલ કરવામાં આવી છે. અને આ પહેલી ભારતીય સિરીઝ છે જેને આ મોટા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું હોય. ઈતિહાસકાર રમચંદ્ર ગુહાના પ્રામાણિક પુસ્તકો પર આધારિત `ગાંધી` સિરીઝ એ એક વિશાળ અને અનેક સીઝનવાળી કથા છે. આ સિરીઝ આપની સામે મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. ફક્ત તે મહાન વ્યક્તિ તરીકે નહીં જેને આપણે ઓળખીએ છીએ, પરંતુ એક યુવાન, ખામીઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી માનવી તરીકે, જે બાજુ કદાચ દુનિયાની નજર બહુ પડી નથી.

આ સિરીઝ (Gandhi Series)ની પહેલો સીઝન જેનું નામ છે ‘An Untold Story of Becoming (1888–1915)’, ગાંધીની શરૂઆતની સફરને દર્શાવે છે. આ કહાણી કોલોનિયલ ભારતના એક ઉત્સુક કિશોર, લંડનના શરમાળ કાયદાના વિદ્યાર્થી અને પછી દક્ષિણ આફ્રિકા માં 23 વર્ષ વિતાવનાર એક યુવાન વકીલની છે. આ યાત્રા વિરોધાભાસ, નિષ્ફળતાઓ અને આત્મ-શોધથી ભરેલી છે. મહાત્મા બન્યા પહેલાં તે ફક્ત “મોહન” હતા તેની વાત અહીં છે.

2015માં શરૂ થયેલા TIFFના પ્રાઇમટાઇમ પ્રોગ્રામમાં અત્યારસુધી એવી સિરીઝ (Gandhi Series)ને સ્થાન મળ્યું છે જેમણે વાર્તાઓ કહેવાના અંદાજને આગળ વધાર્યો છે, જેમ કે અલ્ફોન્સો કુઆરોનની "Disclaimer" અને નેટફ્લિક્સની "Dark". હવે `ગાંધી` નું આ યાદીમાં સામેલ થવું એ એક મોટું સાંસ્કૃતિક માઇલસ્ટોન છે.

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર સમીર નાયરએ કહ્યું કે `ગાંધી` નું TIFFમાં પસંદ થવું એ અમારા માટે અને ભારતીય વાર્તાઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે આ સિરીઝ ગહન રીસર્ચ અને માનવીય કહાણી પરના અમારા ગાઢ વિશ્વાસનું પરિણામ છે જેને અમે આખી દુનિયા સાથે વહેંચવા માંગીએ છીએ.

ડિરેક્ટર અને શો-રનર હંસલ મહેતાએ જણાવ્યું કે `ગાંધી` (Gandhi Series) તેમના કારકિર્દીની સૌથી સર્જનાત્મક અને હૃદયસ્પર્શી યાત્રા રહી છે. તેમણે કહ્યું કે આ ફક્ત ભૂતકાળની કહાણી નહીં, પણ માનવીના અંતઃકરણની શોધ છે. TIFFના 50મા વર્ષમાં તેમના સૌથી મોટા પ્રોજેક્ટનું પ્રીમિયર ત્યાં થવું તેઓ માટે ખૂબ ખાસ છે.

TIFFના પ્રીમિયર (Gandhi Series)માં ટીમના મહત્વપૂર્ણ સભ્યો હાજર રહેશે. સમીર નાયર,  હંસલ મહેતા, સિદ્ધાર્થ ખેતાન, પ્રતીક ગાંધી, ટૉમ ફેલ્ટન અને કબીર બેદી. આ મહત્ત્વના પ્રોજેક્ટમાં સંગીત એ.આર. રહમાને આપ્યું છે. લેખન ટીમમાં વૈભવ વિશાલ, કરણ વ્યાસ, ફેલિક્સ વોન સ્ટમ, હેમા ગોપીનાથન, સહજ કૌર મૈનિ અને યશના મલ્હોત્રા સામેલ છે. સ્ક્રિપ્ટ સલાહકાર તરીકે સિદ્ધાર્થ બસુ અને ઇતિહાસકાર રમચંદ્ર ગુહાનું યોગદાન છે. કાસ્ટિંગ મુકેશ છાબરા અને શકીરા ડાઉલિંગે સંભાળી છે, જ્યારે પ્રોડક્શન ડિઝાઇન શશાંક ટેરે, કોસ્ચ્યુમ ડિઝાઇન પિયા બેનેગલ અને સિનેમેટોગ્રાફી પ્રથમ મહેતાએ કરી છે.

web series Pratik Gandhi toronto bollywood events entertainment news hansal mehta