બિપાશા પાછી આવી રહી છે હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત વેબ-સિરીઝ બારાબંકીમાં જોવા મળશે મુખ્ય ભૂમિકામાં

07 September, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિપાશા બાસુ છ વર્ષ બાદ ‘બારાબંકી’ વેબ-સિરીઝથી કમબૅક કરી રહી છે. હંસલ મહેતાની આ ક્રાઇમ થ્રિલરમાં સની કૌશલ અને વિશાલ જેઠવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

બિપાશા બાસુ

છેક ૨૦૨૦માં આવેલી વેબ-સિરીઝ ‘ડેન્જરસ’ પછી બિપાશા બાસુ હવે ૬ વર્ષે કમબૅક કરવા જઈ રહી છે. બિપાશાએ ‘બારાબંકી’ શીર્ષક ધરાવતી હંસલ મહેતાની આગામી ક્રાઇમ થ્રિલર વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કર્યું છે. નિવૃત્ત ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર આલોક લાલ દ્વારા લખાયેલી ‘ધ બારાબંકી નાર્કોસ : બસ્ટિંગ ઇન્ડિયાઝ મોસ્ટ નોટોરિયસ ડ્રગ કાર્ટેલ’ પર આધારિત આ સિરીઝ ૧૯૮૪ની પૃષ્ઠભૂમિ પર તૈયાર થઈ રહી છે. આલોક લાલ દ્વારા ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં અફીણના દરોડાની કામગીરીનું નેતૃત્વ કેવી રીતે કરવામાં આવ્યું એની પ્રેરણાદાયી વાર્તા કહે છે. આ સિરીઝ એક IPS અધિકારી અને તેમની ટીમ દ્વારા શક્તિશાળી ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવાની વાસ્તવિક જીવનની આકર્ષક પ્રત્યક્ષ રજૂઆત છે.
આ સિરીઝમાં સની કૌશલ અને ‘હોમબાઉન્ડ’ સ્ટાર વિશાલ જેઠવા પણ મુખ્ય ભૂમિકામાં છે. ૨૦૨૨માં પોતાની પુત્રી દેવીના જન્મ પછી સ્ક્રીન પર પાછી ફરી રહેલી બિપાશા બાસુ એક શક્તિશાળી ભૂમિકા ધરાવે છે. 

આલોક લાલ કોણ છે?

આલોક લાલે જાહેર સેવામાં ૩૭ વર્ષ સુધી સેવા આપી હતી અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે નિવૃત્ત થયા હતા. બારાબંકી નાર્કોટિક્સ કાર્ટેલને નાબૂદ કરવા ઉપરાંત તેમણે શાહજહાંપુરના ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય સંગઠિત સશસ્ત્ર ડાકુઓ સામેના ફીલ્ડ ઑપરેશન્સનું નેતૃત્વ પણ કર્યું હતું. ઉત્તરાખંડમાં આતંકવાદવિરોધી કામગીરી પર નજર રાખવા માટે તેઓ જવાબદાર હતા. તેમણે તેમના સહલેખિત પુસ્તક ‘ઑન ધ ટ્રેલ ઑફ ઠગ્સ ઍન્ડ થીવ્ઝ’માં ચોરીની ૮ મોટી તપાસની વિગતો આપી છે.

bipasha basu hansal mehta sunny kaushal vishal jethwa web series entertainment news