‘ગાંધી’ના રોલમાં પ્રતીક ગાંધી, શરુ થયું હંસલ મહેતાની આ સિરીઝનું શૂટિંગ

19 January, 2024 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ગાંધી’ના રોલમાં પ્રતીક ગાંધી, શરુ થયું હંસલ મહેતાની આ સિરીઝનું શૂટિંગ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

‘સ્કેમ ૧૯૯૨ : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992 : The Harshad Mehta Story) વૅબ સિરીઝ દ્વારા કમાલ કરનાર બેલડી દિગ્દર્શક હંસલ મહેતા (Hansal Mehta) અને ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી (Pratik Gandhi) ફરી એકવાર સાથે કમાલ કરવા માટે તૈયાર છે. હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’ (Gandhi)નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ગુજરાત (Gujarat)માં ‘ગાંધી’નું શૂટિંગ શરું (Gandhi Shooting Starts) થઈ ગયું છે જેની ઝલક પ્રોડક્શન હાઉસે શૅર કરી છે.

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાની બહુ અપેક્ષિત સિરીઝ ‘ગાંધી’નું શૂટિંગ શરું થયું હોવાનું નિર્માતાઓએ શુક્રવારે જણાવ્યું હતું. હંસલ મહેતાએ ગુજરાતમાં ‘ગાંધી’ના શૂટિંગનું પ્રથમ શેડ્યૂલ શરુ કરીને સિરીઝના શ્રી ગણેશ કર્યા છે. આ સિરીઝ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના જીવન અને તેમના સમય પર આધારિત છે. આ એક આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન છે જેનું શૂટિંગ ભારતીય અને વિદેશી સ્થળોએ કરવામાં આવશે.

‘ગાંધી’ સિરીઝના મેકર્સે શૂટિંગ શરુ થયું હોવાની જાહેરાત સોશ્યલ મીડિયા (Social Media)ના માધ્યમથી કરી છે. તેમણે શૂટિંગની કેટલીક તસવીરો શૅર કરી છે અને સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘કૅપ્ચરિંગ હિસ્ટ્રી ઇન ધ મેકિંગ! ગાંધી ફિલ્મિંગ શરુ.’

અહીં જુઓ પોસ્ટ :

મલ્ટિ-સીઝન સિરીઝનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ (Applause Entertainment) દ્વારા એપ્લોઝ પ્રોડક્શન્સ (Applause Productions) સાથે મળીને કરવામાં આવ્યું છે. ‘ગાંધી’ સિરીઝ રામચંદ્ર ગુહા (Ramchandra Guha) દ્વારા લખાયેલ મહાત્મા ગાંધીના જીવનચરિત્ર પર આધારિત છે. રામચંદ્ર ગુહાએ લખેલ જીવનચરિત્રનું ટાઇટલ છે, ‘ગાંધી : ધ યર ધેટ ચેન્જીસ ધ વર્લ્ડ’ (Gandhi: The Years That Changed the World) ‘ગાંધી : બિફૉર ઇન્ડિયા’ (Gandhi Before India) પર આધારિત છે.

આ સિરીઝમાં પ્રતીક ગાંધી મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં પણ પ્રતીક ગાંધીએ સ્ટેજ પર મહાત્મા ગાંધીનો રોલ ભજવ્યો છે. થિયેટરમાં મનોજ જોષી (Manoj Joshi) દિગ્દર્શિત નાટક ‘મોહન નો મસાલો’ (Mohan No Masalo)માં પ્રતીક ગાંધીએ મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ નાટક ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ભજવાયું છે.

જો પ્રતીક ગાંધી અને હંસલ મહેતાની વાત કરીએ તો બન્ને ‘સ્કેમ ૧૯૯૨ : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ પછી ફરીવાર સાથે કામ કરશે.

સિદ્ધાર્થ બાસુ (Siddhartha Basu) આ પ્રોજેક્ટ પર ઐતિહાસિક સલાહકાર, હકીકતલક્ષી સલાહકાર અને સર્જનાત્મક સલાહકાર તરીકે જોડાયેલા છે.

‘ગાંધી’ સિરીઝનું શૂટિંગ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ સિરીઝનું શૂટિંગ દક્ષિણ આફ્રિકા (South Africa), ભારત (India) અને યુકે (UK)માં થવાનું છે. ‘ગાંધી’ સિરીઝની વધુ માહિતી સામે આવી નથી. તેની વધુ માહિતી અને જાહેરાત વિશે ફેન્સ આતુરાથી રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં, હંસલ મહેતા અને પ્રતીક ગાંધીની બેલડી બીજીવાર કેવો કમાલ કરશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

Pratik Gandhi hansal mehta Web Series web series gujarat upcoming movie entertainment news bollywood bollywood news mahatma gandhi