‘ગૉસિપ ગર્લ’ કરશે કમબૅક

31 May, 2021 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નૉવેલ પર આધારિત સિરીઝ ‘ગૉસિપ ગર્લ’ની સીક્વલ સિરીઝ એચબીઓ મૅક્સ પર રિલીઝ થવાની છે

‘ગૉસિપ ગર્લ’નું પોસ્ટર

ન્યુ યૉર્કના ઍલિટ ક્લાસના ટીનેજર્સ પર આધારિત ‘ગૉસિપ ગર્લ’ની સીક્વલ સિરીઝ એચબીઓ મૅક્સ પર રિલીઝ થવાની છે. મૂળ સિરીઝ ‘ગૉસિપ ગર્લ’ ૨૦૦૭થી ૨૦૧૨ સુધી ચાલી હતી અને એ યુવાનોમાં બહુ લોકપ્રિય બની હતી. શોનું ટાઇટલ ‘ગૉસિપ ગર્લ’ એટલા માટે છે, કેમ કે એક અજાણી મહિલા એવી છે જેને ગ્લૅમરસ લાઇફ જીવતા અમેરિકન ટીનેજર્સ વિશે બધી માહિતી છે અને તેના ગૉસિપભર્યા મેસેજ એ ટીનેજર્સની જિંદગીમાં ગૂંચવણ પેદા કરે છે.  આ શોમાં ‘ગૉસિપ ગર્લ’ નેરેટર છે અને મૂળ સિરીઝની જેમ જ નેરેટર તરીકે ઍક્ટ્રેસ ક્રિસ્ટન બેલનો અવાજ સાંભળવા મળશે.

મૂળ સિરીઝમાં બ્લૅક લાઇવલી, લેટન મિસ્ટર, પૅન બેજલી, ચેસ ક્રૉફર્ડ, ઍડ વેસ્ટવિક મુખ્ય કલાકારો હતાં, જ્યારે રિબૂટ સિરીઝમાં નવા ચહેરા જોવા મળવાના છે. મૂળ સિરીઝ અને સીક્વલ સિરીઝમાં અન્ય એક તફાવત આજના સોશ્યલ મીડિયા યુગનો પણ હશે. ઉલ્લેખનીય છે કે ‘ગૉસિપ ગર્લ’ અમેરિકન લેખિકા સેસિલી વૉન ઝિગેઝરની નૉવેલ સિરીઝ ‘ગૉસિપ ગર્લ’ પર આધારિત છે. ૮ જુલાઈએ રિલીઝ થનારી ‘ગૉસિપ ગર્લ’ રિબૂટમાં ૧૦ એપિસોડ હશે.

entertainment news Web Series web series