12 March, 2025 06:55 AM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
આઈફા એવોર્ડ 2025 (તસવીર સૌજન્ય: આઈફા ઇન્સ્ટાગ્રામ)
TVFએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તેઓ ડિજિટલ મનોરંજનની દુનિયાના બાદશાહ છે! IIFA ડિજિટલ એવોર્ડ્સ 2025માં TVFની વિવિધ વેબ સિરીઝે વિજય મેળવ્યો છે. પંચાયત 3 અને કોટા ફેક્ટરી 3 જેવી લોકપ્રિય સિરીઝે એવોર્ડ્સ જીત્યા, જેમાં બેસ્ટ સિરીઝ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ લીડ ઍક્ટર (પુરુષ), અને બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ)નો સમાવેશ થાય છે.
TVFએ ફરી એક વાર રચ્યો ઇતિહાસ!
TVF (The Viral Fever) એ ડિજિટલ મનોરંજન જગતમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું છે. તેમની સાદી અને સરળ વાર્તાઓ સાથે દર્શકો લાંબા સમય સુધી રિલેટ કરી શકે છે. ચાહકોને આનંદ આપતી આ સિરીઝ દુનિયાભરનાં દર્શકો તરફથી બહોળી પ્રશંસા મેળવી રહી છે.
IIFA ડિજિટલ એવોર્ડ્સ 2025ની રાત TVF માટે ઉત્સવ બની ગઈ હતી. વેબ સિરીઝ કેટેગરીના દરેક મોટા એવોર્ડ TVFએ પોતાના નામે કર્યા, જે સાબિત કરે છે કે સામાન્ય જીવનની વાર્તાઓ પણ જો સુંદર રીતે કહેવામાં આવે તો તે લોકોના દિલ જીતી શકે છે.
TVFએ કયા-કયા એવોર્ડ્સ જીત્યા?
- બેસ્ટ સિરીઝ – પંચાયત સીઝન 3
- બેસ્ટ ડિરેક્ટર – દીપક કુમાર મિશ્રા (પંચાયત 3)
- બેસ્ટ લીડ ઍક્ટર (પુરુષ) – જિતેન્દ્ર કુમાર (પંચાયત 3)
- બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર (પુરુષ) – ફૈઝલ મલિક (પંચાયત 3)
- બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી – કોટા ફેક્ટરી સીઝન 3
TVFના ઍક્ટર્સનો અદ્ભુત અભિનય
TVFએ સાબિત કરી દીધું છે કે કોન્ટેન્ટ એ જ રાજા છે. એવોર્ડ જીતવા માટે મોટા સ્ટાર્સ કે ભવ્ય વિઝ્યુલ્સની જરૂર નહીં, પણ વાર્તા અને અભિનય સારું હોવું જોઈએ. TVFએ તેની શરૂઆતથી જ દર્શકો માટે કંઈક નવા પ્રકારનું મનોરંજક કોન્ટેન્ટ લાવવાનું કામ કર્યું છે. પછી ભલે તે પંચાયત જેવી ગ્રામ્ય ભારતની હકીકત બતાવતી સિરીઝ હોય કે કોટા ફેક્ટરી, જે વિદ્યાર્થીઓના સંઘર્ષ અને સપનાને વાસ્તવિક રીતે રજૂ કરે છે. TVFની સિરીઝ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, તે દર્શકોના જીવન સાથે જોડાયેલી લાગણીઓ રજૂ કરે છે. તે રોજિંદા જીવનની ઘટનાઓ અને સંઘર્ષને હૂંફ સાથે પ્રસ્તુત કરે છે, જેનાથી લોકોને તે પોતિકી લાગે છે.
આઇફા એવોર્ડ્સ ૨૦૨૫
આઇફા એવોર્ડ્સ ૨૦૨૫નું આયોજન આ વર્ષે જયપુરમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ગઈ કાલે, 9 માર્ચે મુખ્ય એવોર્ડ્સ સમારોહ હતો ત્યારે શનિવારની રાત્રે ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ કેટેગરીના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ ફંક્શનમાં કરીના કપૂર, શાહિદ કપૂર, કરણ જોહર અને બૉબી દેઓલ સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ કૅટેગરીમાં ‘અમર સિંહ ચમકીલા’ને બેસ્ટ ફિલ્મનો અને ‘પંચાયત’ને બેસ્ટ વેબ-સિરીઝનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.