07 July, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાણી કપૂર
હિન્દી સિનેમામાં લગભગ એક દાયકો વિતાવ્યા પછી અભિનેત્રી વાણી કપૂર (Vaani Kapoor) આગામી નેટફ્લિક્સ (Netflix) સિરીઝ ‘મંડલા મર્ડર્સ’ (Mandala Murders) દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ત્યારે અભિનેત્રીએ ઓટીટી પ્લેટફોર્મ પર વિશે દિલ ખોલીને વાત કરી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, સ્ટ્રીમિંગ ડેબ્યૂ માટે તે એક મહત્વપૂર્ણ ભૂમિકાની આશા રાખતી હતી અને તેવું જ બન્યું.
નેટફ્લિક્સ અને વાયઆરએફ એન્ટરટેઈનમેન્ટ (YRF Entertainment)ની બહુપ્રતિક્ષિત અને શૈલી-બ્રેકિંગ વૅબ સિરીઝ ‘મંડલા મર્ડર્સ’ (Mandala Murders) ૨૫ જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આ વૅબ સિરીઝ માત્ર એક રહસ્યમય, પૌરાણિક-ક્રાઇમ થ્રિલર નથી પણ અભિનેત્રી વાણી કપૂરનું ઓટીટી ડેબ્યૂ પણ છે. અત્યાર સુધી મોટા પડદા પર પોતાની પ્રતિભા બતાવી ચૂકેલી વાણી કપૂર આ વખતે એક મુશ્કેલ અને પડકારજનક ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત છે.
‘મંડલા મર્ડર્સ’ના પાત્ર વિશે વાત કરતા વાણી કપૂરે કહ્યું કે, ‘હું મારા OTT ડેબ્યૂને યાદગાર બનાવવા માટે કંઈક ખૂબ જ ખાસ અને પડકારજનક શોધી રહી હતી, અને હું ભાગ્યશાળી છું કે મને “મંડલા મર્ડર્સ” જેવું પ્લેટફોર્મ મળ્યું. હું એક એવી વાર્તાનો ભાગ બની રહી છું જે શારીરિક અને માનસિક રીતે મારા માટે એક નવા અવતારની માંગ કરશે. આ એક એવી શૈલી છે જેમાં મેં પહેલાં ક્યારેય સાહસ કર્યું નથી.’
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘આ બોલ્ડ નિર્ણય મને ઊંડાણ, સંઘર્ષ અને નબળાઈના નવા સ્તરોનો પરિચય કરાવી રહ્યો છે અને આ એવા તત્વો છે જે મહાન વાર્તા કહેવા માટે બનાવે છે.’
‘મંડલા મર્ડર્સ’ના નિર્માતા અને દિગ્દર્શક ગોપી પુથરન (Gopi Puthran) દર્શકોને એક જુદી જ વાર્તામાંથી પસાર કરવાનું વચન આપે છે જ્યાં દરેક સંકેત એક પ્રાચીન ભવિષ્યવાણીના ઊંડાણને ઉજાગર કરે છે.
વૅબ સિરીઝમાં વાણી કપૂરની સાથે વૈભવ રાજ ગુપ્તા (Vaibhav Raj Gupta), સુરવીન ચાવલા (Surveen Chawla) અને શ્રિયા પિલગાંવકર (Shriya Pilgaonkar) મુખ્ય ભુમિકામાં છે.
વાણીએ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર મહિલાઓ માટે વધુ સારી તકો પર ભાર મૂકતા કહ્યું, ‘મને સ્ટ્રીમિંગ ગમે છે કારણ કે અહીં અભિનેત્રીઓ મજબૂત અને પડકારજનક ભૂમિકાઓ ભજવી શકે છે, જે ઘણીવાર થિયેટર ફિલ્મોમાં ખૂટે છે કારણકે તે મોટાભાગે પુરુષ-પ્રભુત્વ ધરાવતી હોય છે.’
એટલું જ નહીં, વાણી કપૂરે ઇન્ડસ્ટ્રીના બદલાતા પરિદૃશ્ય વિશે પણ વાત કરી. અભિનેત્રીએ કહ્યું કે, ‘અભિનેત્રીઓનો એક નવો પ્રવાહ વીરતા અને ઊંડાણ સાથે પાત્રો ભજવી રહ્યો છે, જે દર્શાવે છે કે નરમ લાગણીઓ અને અંતર્ગત શક્તિ પડદા પર એકસાથે ખીલી શકે છે. ભારતીય અભિનેત્રીઓ હવે કોઈપણ અવરોધ વિના એક્શન-થ્રિલર્સમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી રહી છે, અને આ ખૂબ જ જરૂરી પરિવર્તન છે.’
‘મંડલા મર્ડર્સ’ મનન રાવત દ્વારા સહ-દિગ્દર્શિત અને YRF એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે. ‘મંડલા મર્ડર્સ’એ નેટફ્લિક્સ અને વાયઆરએફની સર્જનાત્મક ભાગીદારીનો બીજો પ્રોજેક્ટ છે. પહેલો પ્રોજેક્ટ ‘ધ રેલ્વે મેન’ (The Railway Men) છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી આ સિરીઝને દર્શકોનો બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો.