પૉપ્યુલર સિટકૉમ ‘ફ્રેન્ડ્સ’ના સ્પેશ્યલ એપિસોડ ‘ધ રીયુનિયન’માં ખાસ શું છે?

24 May, 2021 03:08 PM IST  |  Mumbai | Nirali Dave

૨૭ મેએ એચબીઓ મૅક્સ પર રિલીઝ થનારો ‘ફ્રેન્ડ્સ’નો રીયુનિયન એપિસોડ અનસ્ક્રિપ્ટેડ હશે

‘ધ રીયુનિયન’

૧૯૯૦ના દાયકાના પૉપ્યુલર સિટકૉમ શો ‘ફ્રેન્ડ્સ’ની રીયુનિયન આવૃત્તિની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી ચાહકોમાં શોની રિલીઝ વિશે ઉત્કંઠા જોવા મળી છે. કોરોનાને લીધે ‘ફ્રેન્ડ્સ: ધ રીયુનિયન’ શો પાછો ઠેલાઈ ગયો હતો, પણ હવે આખરે ૨૭ મેએ એ રિલીઝ થવાનો છે. વૉર્નર મીડિયાના સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ એચબીઓ મૅક્સ પર આવનારો આ સ્પેશ્યલ એપિસોડ અનસ્ક્રિપ્ટેડ હશે. જોકે ભારતીય ચાહકોએ આ શો જોવા માટે થોડી રાહ જોવી પડશે.  શોમાં અનુક્રમે રૉસ, રેચલ, મોનિકા, ચૅન્ડલર, ફિબી અને જૉયનું પાત્ર ભજવતા લીડ કલાકારો ડેવિડ શ્વિમ, જેનિફર ઍનિસ્ટન, કૉર્ટની કૉક્સ, મૅથ્યુ પૅરી, લિસા કુડ્રો અને મૅટ લબ્લાન્ક જૂની યાદો તાજી કરશે અને જાણીતા સીન ફરી ભજવશે. તો ‘રૉસ’નું કૅરૅક્ટર ભજવતો ડેવિડ શ્વિમ અન્ય સહકલાકારોને ૧૦ સીઝનમાંથી ટ્રિવિયા પૂછશે અને સેટ પર એવો જ માહોલ ઊભો કરશે જેવો પહેલાં હતો.

આ ઉપરાંત, રિચર્ડ અને જેનિસનું કૅરૅક્ટર પ્લે કરતા કલાકારો ટૉમ સેલેક અને મૅગી વ્હીલર પણ આ એપિસોડમાં જોવા મળશે. ‘ફ્રેન્ડ્સ ઃ ધ રીયુનિયન’ના ડિરેક્ટર બેન વિન્સ્ટન છે, તો લેડી ગાગા, ડેવિડ બૅકહૅમ, જસ્ટિન બબીબર, બીટીએસ, મલાલા યુસુફઝાઈ સહિત ૧૮ જેટલા મહેમાનો પણ આ શોમાં હાજરી આપશે.  ઉલ્લેખનીય છે કે ૧૯૯૪થી ૨૦૦૪ સુધી ચાલેલા આ શો હજી લોકપ્રિય છે અને વિશ્વભરના ચાહકો માટે ‘ફ્રેન્ડ્સ: ધ રીયુનિયન’ એક અવિસ્મરણીય ઘટના બનવાની છે.

Web Series web series nirali dave entertainment news