અબ બસ!

14 January, 2022 11:55 AM IST  |  Mumbai | Harsh Desai

મહેશ ભટ્ટ અને પરવીન બાબીની લવ સ્ટોરીનો હવે અંત આણવો જોઈએ : વિનોદ ખન્ના, કબીર બેદી અને અમિતાભ બચ્ચન સાથેની ઘટનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એને એટલી બોલ્ડ રીતે રજૂ નથી કરાઈ

મહેશ ભટ્ટ અને પરવીન બાબીની લવ સ્ટોરીનો હવે અંત આણવો જોઈએ

રંજિશ હી સહી

કાસ્ટ : તાહિર રાજ ભસીન, અમલા પૉલ, અમ્રિતા પુરી
ડિરેક્ટર : પુષ્પરાજ ભારદ્વાજ
  
વૂટ સિલકેટ પર હાલમાં જ રિલીઝ થયેલી ‘રંજિશ હી સહી’ મહેશ ભટ્ટે ક્રીએટ કરી છે. આઠ એપિસોડની આ સિરીઝમાં મહેશ ભટ્ટ અને પરવીન બાબીની જ સ્ટોરી કરવામાં આવી છે. પરવીન બાબી પર એટલું કહેવામાં અને દેખાડવામાં આવી ગયું છે કે એ વિષય પર હવે કંઈ પણ જોવાનો કંટાળો આવે છે. બૉલીવુડમાં કોઈ પણ ફિલ્મ અથવા તો વેબ-શો વધુ હિટ નથી થતો એનું મુખ્ય કારણ ઓરિજિનલ સ્ટોરીની ઊણપ છે. બૉલીવુડમાં હવે બાયોપિક અને રીમેક પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. મહેશ ભટ્ટની લાઇફ અને તેમના એક્સ્ટ્રામૅરિટલ અફેર પરથી ‘રંજિશ હી સહી’ બનાવવામાં આવી છે જેમાં તાહિર રાજ ભસીન, અમલા પૉલ અને અમ્રિતા પુરીએ કામ કર્યું છે.
મહેશ ભટ્ટ અને પરવીન બાબીની સ્ટોરી એટલી જગજાહેર છે કે એ વિશે વાત કરવી જરૂરી નથી. આ સ્ટોરીમાં વિનોદ ખન્નાના ઓશો પ્રત્યેના પ્રેમ, કબીર બેદી અને અમિતાભ બચ્ચન જેવી ઘણી સેલિબ્રિટીઝ વિશે આડકતરી રીતે કમેન્ટ કરવામાં આવી છે. જોકે મહેશ ભટ્ટ જે રીતે પહેલાં જે બોલ્ડ સ્ટોરી કહેતા હતા એવો ચાર્મ હવે તેમનામાં નથી રહ્યો. પુષ્પરાજ ભારદ્વાજ દ્વારા સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને ડિરેક્ટ કરવામાં આવેલા આ શોના દરેક એપિસોડને અલગ-અલગ રીતે કહેવાની કોશિશ કરવામાં આવી છે. ૧૯૬૦ના દાયકાથી શરૂ થયેલી આ સ્ટોરી ૨૦૦૫ સુધી ચાલે છે. દરેક એપિસોડમાં વર્ષને જમ્પ કરવામાં આવે છે અને એના કારણે સ્ટોરી સાથે એ કનેક્ટ નથી રહેતો. સ્ટોરીનું ફોકસ દરેક પાત્ર કેવા ઇમોશનમાંથી પસાર થાય છે એના પર વધુ રાખવામાં આવ્યું છે અને એથી જ આ એક ઇમોશનલ રોલર કોસ્ટર તો બની છે, પરંતુ સ્ટોરીમાં એટલું ઊંડાણ નથી. સ્ટોરી ઉપરછલ્લી છે. તેમ જ કેટલાક સબ-પ્લૉટ કામ વગરના લાગે છે. ડાયલૉગમાં પણ એટલો દમ નથી. શોમાં ફક્ત જાણીતી ઘટના ઉમેરવાના હેતુથી એને ફિક્શનાઇઝ કરી દેખાડવામાં આવી છે.
મહેશ ભટ્ટની ‘અર્થ’ અને ‘જખમ’ જેવી ફિલ્મોમાં તેમની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવી હતી. ‘જખમ’માં તેમનાં મમ્મી-પપ્પા અલગ-અલગ ધર્મનાં હોવાથી પોતાના પર એની શું અસર પડી હતી એ વિશે વાત કરવામાં આવી હતી. આ ફિલ્મોના ઍક્ટર્સના પર્ફોર્મન્સની વાત કરીએ તો ‘રંજિશ હી સહી’ના ઍક્ટર્સમાં કોઈનામાં દમ નથી. જોકે એમ છતાં તાહિરે મહેશ ભટ્ટનું પાત્ર ખૂબ જ સારી રીતે દેખાડવાની કોશિશ કરી છે. તે એકદમ અલગ કરતો જોવા મળ્યો છે. અમલા પૉલે આ શોમાં પરવીન બાબીનું પાત્ર ભજવ્યું છે, જે આમના પરવેઝ હોય છે. તેણે એ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને એ દેખાઈ આવે છે. જોકે પરવીન બાબીની જગ્યાએ તે ‘ઓમ શાંતિ ઓમ’ની દીપિકા પાદુકોણ વધુ લાગે છે. ઇન્ટ્રોમાં પણ બ્લૅક ઍન્ડ વાઇટમાં જ્યારે તેનો ફોટો આવે છે એમાં તે વધુપડતી દીપિકા જેવી લાગે છે. સાતમા એપિસોડમાં છેક તેને પરવીન બાબીની જેમ ગીતનું શૂટિંગ કરતી હોય એવું દેખાડવામાં આવ્યું છે. અમ્રિતા પુરીએ પણ સારું કામ કર્યું છે. ઘરની બાગડોર જ્યારે તે પોતાના હાથમાં લઈને નોકરી કરવાનું નક્કી કરે છે એ પહલુને સારી રીતે દેખાડવામાં આવ્યો છે.
મહેશ ભટ્ટની ફિલ્મો એના મ્યુઝિક માટે ખૂબ જ જાણીતી છે. ઇમરાન હાશ્મીએ ભટ્ટ કૅમ્પમાં ઘણાં અદ્ભુત ગીતો આપ્યાં છે. તેને નવા જમાનાના રાજેશ ખન્ના તરીકે ઓળખવામાં આવતો હતો જેનાં દરેક ગીત હિટ થતાં હતાં. આ મોટા ભાગનાં ગીત ભટ્ટ કૅમ્પની ફિલ્મોનાં હતાં. જોકે હવે તેમની ફિલ્મોમાં કે વેબ-શોમાં એ વાત નથી રહી. ‘રંજિશ હી સહી’માં એક પણ ગીત એવું નથી જે યાદ રહી જાય.
મહેશ ભટ્ટ અને પરવીન બાબીની સ્ટોરીને ફરી રિફ્રેશ કરવી હોય તો આ સીઝન જોઈ શકાય છે. જોકે આ શો દ્વારા એ સમયે પણ મેન્ટલ હેલ્થને લગતી બીમારી હતી એના પર ફોકસ કરવામાં આવ્યું છે.

 

Web Series entertainment news