અલ્ટ્રા-ગ્લૅમરસ રોલની હું રાહ જોઈ રહી હતી : રવીના ટંડન

21 January, 2024 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનો ‘કર્મા કૉલિંગ’ ૨૬ જાન્યુઆરીએ ડિઝની+હૉટસ્ટાર પર આવવાનો છે

રવીના ટંડન

રવીના ટંડનનું કહેવું છે કે તે ઘણા સમયથી અલ્ટ્રા ગ્લૅમરસ રોલ કરવાની રાહ જોઈ રહી હતી. તેનો ‘કર્મા કૉલિંગ’ ૨૬ જાન્યુઆરીએ ડિઝની+હૉટસ્ટાર પર આવવાનો છે. આ શોમાં તેની સાથે નમ્રતા સેઠ અને વરુણ સૂદ દેખાશે. આ શોને રુચિ નરૈને ડિરેક્ટ કર્યો છે. રવીનાએ ‘અરણ્યક’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. તે ‘ઘુડચડી’, ‘પટના શુક્લા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’માં દેખાવાની છે. ‘કર્મા કૉલિંગ’ની વાત કરીએ તો એમાં ધનવાન ઇન્દ્રાણી કોઠારીના રોલમાં રવીના દેખાવાની છે. ૯૦ના દાયકાની જાજરમાન વ્યક્તિનું પાત્ર તે ભજવી રહી છે. તેની લાઇફમાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે કર્મા નામની મહિલાની એન્ટ્રી થાય છે. ઇન્દ્રાણી જેવા રોલની ઘણા સમયથી રાહ જોતી હોવાનું જણાવતાં રવીનાએ કહ્યું કે ‘આ એવો અલ્ટ્રા ગ્લૅમરસ રોલ છે જેની હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. ‘KGF 2’માં હું રામિકા સેનના રોલમાં દેખાઈ હતી, ‘અરણ્યક’માં પોલીસ કસ્તુરી ડોગરાની ભૂમિકામાં, ‘માત્ર’માં દુખી માતાના રોલમાં અને હવે ‘વેલકમ ટુ ધ જંગલ’માં હટકે રોલમાં દેખાવાની છું. એવામાં હવે ‘કર્મા કૉલિંગ’માં ગ્લૅમરસ રોલમાં જોવા મળીશ. આ રોલ એમાં બંધ બેસે છે, જે હું કરવા માગતી હતી. બધું સારી રીતે પાર પડ્યું.’
રવીનાનું કહેવું છે કે શોમાં જેટલા પણ કલાકારો હોય એ બધા પણ ચમકે એવી મારી ઇચ્છા છે. તે ટીમવર્કમાં માને છે. એ વિશે રવીનાએ કહ્યું કે ‘ફિલ્મ હોય કે શો હોય, દરેક શાઇન કરે એ જરૂરી હોય છે. જો બધા જ ચમકશે તો જ પ્રોજેક્ટ પણ ચમકશે. હું કોઈ એક વ્યક્તિવિશેષનો રોલ નથી કરી રહી કે માત્ર હું જ દેખાઉં. મારો બેસ્ટ આપવાનો હું પ્રયાસ કરું છું, પરંતુ સાથે જ અન્ય પણ બેસ્ટ પર્ફોર્મ કરે એની હું તકેદારી રાખું છું. છેવટે તો ટીમના પ્રયાસથી જ રેસ જીતી શકાશે.’

raveena tandon Web Series web series entertainment news