‘મામલા લીગલ હૈ’માં વકીલનો રોલ કરવાની મજા આવી રવિ કિશનને

17 February, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ ‘મામલા લીગલ હૈ’માં રવિ કિશન વકીલના રોલમાં જોવા મળશે

રવિ કિશન

વેબ-સિરીઝ ‘મામલા લીગલ હૈ’માં રવિ કિશન વકીલના રોલમાં જોવા મળશે અને એ રોલ ભજવવાની તેને ખૂબ મજા આવી હતી. આ સિરીઝ પહેલી માર્ચે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. એમાં નૈલા ગ્રેવાલ, અનંત વી. જોશી અને નિધિ બિશ્ત પણ જોવા મળશે. આ શોને રાહુલ પાંડેએ ડિરેક્ટ કર્યો છે. એનું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. એની સ્ટોરી કાલ્પનિક ​જિલ્લા કોર્ટ પતપરગંજની છે, જેમાં વકીલોની ટીમ એક વિચિત્ર કેસ લડે છે. આ શો વિશે રવિ કિશને કહ્યું કે ‘હું પહેલી વખત વકીલના રોલમાં દેખાવાનો છું અને કહી નથી શકતો કે એને ભજવવાની મને કેટલી મજા પડી હતી. શો રનર સમીર સકસેના અને ડિરેક્ટર રાહુલ સાથે કામ કરવાનો આનંદ છે. તેમના વિઝને મને પ્રેરણા આપી છે. તેમણે જ્યારે પહેલી વખત મને સ્ટોરી નરેટ કરી તો હું તેને ના ન કહી શક્યો, કારણ કે એ પાત્રો અને તેમની શરારતને હું મારી આંખ સામે કલ્પી શકતો હતો. ‘ખાકી’ બાદ મેં બીજી વખત નેટફ્લિક્સ સાથે કામ કર્યું છે. તેઓ વિવિધ રોલ સાથે ઍક્ટરને ચૅલેન્જ આપે છે એ મને ખૂબ ગમે છે. ‘મામલા લીગલ હૈ’ને બનાવતી વખતે અમને જેટલી મજા પડી છે આશા છે કે દર્શકોને પણ એને જોવાની મજા પડી જાય.’ 

વિશ્વભરના દર્શકો સુધી પહોંચવા માગે છે રામ માધવાણી

વેબ-સિરીઝ ‘આર્યા’ના ડિરેક્ટર રામ માધવાણીની ઇચ્છા છે કે તે પોતાના કામ દ્વારા વિશ્વભરના દર્શકો સુધી પહોંચવા માગે છે. તેની આ સિરીઝ લોકોને ખૂબ ગમી રહી છે. આ રોલ સુસ્મિતા સેને ભજવ્યો છે. પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં રામ માધવાણીએ કહ્યું કે ‘હું એવા પ્રકારનો ફિલ્મમેકર બનવા માગું છું જે ન માત્ર ભારતીય હોય, પરંતુ ઇન્ટરનૅશનલ ઇન્ડિયન હોય. હું માત્ર આપણા દર્શકો સાથે જ નહીં, પરંતુ વિશ્વના દર્શકો સાથે વાત કરવા માગું છું. મારો ઉછેર હિન્દી ફિલ્મો, યુરોપિયન ફિલ્મો અને અન્ય ભાષાની ફિલ્મોની વચ્ચે થયો છે. એથી એ મારી સિસ્ટમનો ભાગ છે. હું વિશ્વભરના દર્શકો સુધી પહોંચવા માગું છું. મારી ઍડ્વર્ટાઇઝિંગની કરીઅર દરમ્યાન મેં આવું કર્યું છે. ‘આર્યા’ માટે એમી નૉમિનેશન અને ‘નીરજા’ માટે નૅશનલ અવૉર્ડ મળવો એ દિશા તરફનાં પગલાં છે.’

Web Series web series ravi kishan entertainment news