09 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયા ચક્રવર્તી
સ્પેશ્યલ કોર્ટે રિયા ચક્રવર્તીને વેબ સિરીઝ ‘સ્ટેપસન્સ’ની પહેલી સીઝનના શૂટિંગ માટે શ્રીલંકા, યુરોપ અને સર્બિયાની યાત્રા કરવાની મંજૂરી આપી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા સામે ડ્રગ્સસંબંધિત કેસમાં ગુનો નોંધાયો હતો અને એ સમયે તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો.
રિયાએ તેનો પાસપોર્ટ પરત આપવા અને જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ સ્થળોએ યાત્રા કરવાની મંજૂરી આપવા અરજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે ‘સ્ટેપસન્સ’ નામના પ્રોજેક્ટના શૂટિંગ માટે યાત્રા જરૂરી છે. વીઝા-પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેણે પાસપોર્ટની માગણી કરી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ગુનો ગંભીર છે, પરંતુ અદાલતે તેમની આ દલીલ સ્વીકારી નહોતી. અદાલતે નોંધ્યું હતું કે તેને અગાઉ છ વખત વિદેશયાત્રાની મંજૂરી આપવામાં આવી હતી અને તેણે દરેક વખતે તમામ શરતોનું પાલન કર્યું હતું. અદાલતે તેના ભૂતકાળના વર્તનને તેમ જ તે મુંબઈની રહેવાસી છે એ વાતને ધ્યાનમાં રાખીને તેને વિદેશયાત્રાને મંજૂરી આપી હતી.
૨૦૨૩માં બૉમ્બે હાઈ કોર્ટે રિયા સામેનો લુકઆઉટ સર્ક્યુલર સસ્પેન્ડ કરીને તેને વિદેશયાત્રાની મંજૂરી આપી હતી અને ૨૦૨૪માં અદાલતે આ સર્ક્યુલર રદ કર્યો હતો. રિયા અને તેના પરિવાર સામે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને આત્મહત્યા માટે પ્રેરણા આપવાનો આરોપ હતો. એ કેસમાં CBIએ આ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. જોકે CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે આ કેસ માત્ર સામાન્ય આત્મહત્યાનો છે.