થૅન્ક યુ!

08 June, 2021 12:36 PM IST  |  Mumbai | Nirali Dave

ઍક્ટ્રેસ સામન્થાએ ‘ફૅમિલી મૅન 2’ને વખાણી રહેલા દર્શકો અને વિવેચકોને નહીં, પણ પોતાના ટ્રેઇનરને શા માટે આવું કહ્યું?!

સામન્થા અકિનેની

વિવાદોના વંટોળ વચ્ચે રિલીઝ થયેલી ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનને ચાહકો સાથે વિવેચકોએ પણ વખાણી છે. મનોજ બાજપેયીની આ રાજ-ડીકે નિર્દેશિત સિરીઝની બીજી સીઝનનું મુખ્ય આકર્ષણ સામન્થા અકિનેની છે. સાઉથની ઍક્ટ્રેસ સામન્થાએ ‘ધ ફૅમિલી મૅન 2’થી ડિજિટલ ડેબ્યુ કર્યું છે અને એક તામિલ સૉલ્જર ‘રજ્જી’ તરીકે તેનો રોલ પાવરફુલ છે. આ શોમાં ઍક્શન સીન્સ બખૂબી ભજવવા માટે સામન્થાએ સખત ટ્રેઇનિંગ તો લીધી જ છે, પણ મહત્ત્વની વાત એ છે કે તેણે બૉડી ડબલનો ઉપયોગ નથી કર્યો અને દરેક સ્ટન્ટ જાતે ભજવ્યા છે!

સામન્થાએ પોતાના ટ્રેઇનર યાનિક બેનનો આભાર માનીને લખ્યું છે કે ‘યાનિક બેનનો હું ખાસ આભાર માનું છું જેમણે મને મારા દરેક સ્ટંટ જાતે કરવા માટે પ્રોત્સાહન આપ્યું. જ્યારે મારું શરીર સાથ નહોતું આપતું ત્યારે પણ યાનિકે મને મારી મર્યાદાથી આગળ વધવાનો ઉત્સાહ પૂરો પડ્યો છે. મને ઊંચાઈથી બહુ ડર લાગે છે છતાં હું બિલ્ડિંગ પરથી કૂદી, કેમ કે મને યાનિક પર વિશ્વાસ હતો.’

entertainment news Web Series web series nirali dave