06 June, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિરીઝમાં આલમઝેબની દાસી સાયમાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રુતિ શર્મા
વર્ષ ૨૦૨૪માં નેટફ્લિક્સ પર આવેલી સુપરહિટ વેબ-સિરીઝ ‘હીરામંડી’ સાથે નિર્દેશક સંજય લીલા ભણસાલીએ OTT પર ડેબ્યુ કર્યું હતું. લાહોરની તવાયફોની જિંદગી અને ભારતના સ્વતંત્રતાસંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ડ્રામાને દર્શકોએ પસંદ કર્યો હતો. સિરીઝના પ્રથમ ભાગના અંતે તવાયફો અંગ્રેજો સામેના સ્વતંત્રતા-આંદોલનમાં જોડાય છે અને એક નવી ક્રાન્તિનો આરંભ કરે છે. સિરીઝમાં આલમઝેબની દાસી સાયમાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રુતિ શર્માએ આ સિરીઝની બીજી સીઝનની માહિતી આપી છે. ચર્ચા છે કે ‘હીરામંડી 2’ને આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
શ્રુતિએ જણાવ્યું હતું કે ‘હીરામંડી 2’ એ સમયગાળાની વાત કરશે જ્યારે લાહોરની તવાયફોએ કોઠા છોડીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ બીજી સીઝનની સ્ટોરીલાઇન વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું હતું કે ‘એ સમયમાં સમૃદ્ધ અથવા મધ્યમવર્ગીય પરિવારોની યુવતીઓને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી મળતી નહોતી. એ સમયે સિનેમામાં પ્રવેશ કરતી ઘણી મહિલાઓ તવાયફો જ હતી. એમાંની કેટલીક અભિનેત્રીઓ બની અને કેટલીક ગાયિકા બની. હકીકતમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પ્રથમ મહિલા કલાકારો તવાયફોના કારણે જ મળ્યાં હતાં. બીજી સીઝનની વાર્તા આ જ દિશામાં આગળ વધશે. હાલમાં ટીમ હજુ પણ સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે અને પાત્રોને વધુ ઊંડાણથી વિકસાવી રહી છે.’